Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ટાટા કેમિકલ્‍સ દ્વારા દેવભૂમિ દ્વારકામાં જામરાવલ આરોગ્‍ય કેન્‍દ્રમાં ઓકિસજન પ્‍લાન્‍ટનું ઉદ્દઘાટન

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ર૩: ટાટા કેમિકલ્‍સ વર્ષોથી સમુદાયોની સલામતી અને સર્વાંગી વૃદ્ધિ માટે કેટલીક પહેલો હાથ ધરી છે. કંપનીએ એની સીએસઆર સંસ્‍થા ટાટા કેમિકલ્‍સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્‍ટ (ટીસીએસઆરડી) એ રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના જામરાવલમાં સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્ર (સીએચસી) માં એક ઓકિસજન પ્‍લાન્‍ટનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે રાઘવજીભાઇ પેટલ (કૃષિ અને પશુ સંવર્ધન મંત્રી, ગુજરાત રાજય), મુકેશ પંડયા (કલેકટર, દેવભૂમિ દ્વારકા), ડી. જે. જાડેજા (તાલુકા વિકાસ અધિકારી) અને એન. કામથ, ચીફ મેનુફેકચરિંગ ઓફિસર અને સાઇટ હેડ-મીઠાપુર, ટાટા કેમિકલ્‍સ ઉપસ્‍થિત રહ્યા હતાં.

કંપનીએ ર૦૦ એલપીએચ પીએસએના ઓકિસજન પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરવાની સાથે આરોગ્‍ય કેન્‍દ્રના ઇન્‍ટેરિઅર્સનું રિનોવેશન કર્યું છે. આ જામરાવલ મ્‍યુનિસિપલ એરિયામાં સમુદાયના આશરે પ૦,૦૦૦ સભ્‍યો અને આસપાસના આશરે રપ ગામડાઓની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.

ટાટા કેમિકલ્‍સની મીઠાપુરના ચીફ મેન્‍યુફેકચરિંગ ઓફિસર અને સાઇટ હેડ એન કામથે કહ્યું કે, ‘‘ટાટા કેમિકલ્‍સમાં અમે કટોકટીજન્‍ય સ્‍થિતિ સંજોગોમાં ઝડપથી પ્રતિસાદ આપીને આપણા સમુદાયોના સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારીને હંમેશા પ્રાથમિકતા આપીએ છીએ. અમે સરકારી સંસ્‍થાઓ અને સમુદાયના સભ્‍યોનો હેલ્‍થકેર સુવિધાઓ સુધારવામાં અમારા પ્રયાસોને સતત ટેકો આપવા માટે આભારી છીએ. ટાટા કેમિકલ્‍સે સહિયારા પ્રયાસો દ્વારા અવરોધો પાર પાડવા અને સહાય પ્રદાન કરવા વિવિધ પ્રોજેકટ હાથ ધર્યા છે તથા અમે આ પ્રકારની કલ્‍યાણકારક પહેલોમાં મોખરે રહેવાનું જાળવી રાખીશું.

કોવિડ-૧૯ મહામારી દરમિયાન ટાટા કેમિકલ્‍સે નિયમિત સાફસફાઇની પ્રવૃત્તિઓ, જંતુનાશકોનો પુરવઠો, માસ્‍ક બનાવવા, તબીબી સુવિધાઓમાં વધારો અને સમુદાયો વચ્‍ચે જાગૃતિ વધારવા જેવી કેટલીક પહેલો હાથ ધરી હતી. તાજેતરમાં કંપનીએ મીઠાપુર હોસ્‍પિટલમાં અદ્યતન ઓકિસજન પ્‍લાન્‍ટ કાર્યરત કર્યો હતો. તબીબી ઓકિસજનના પુરવઠાની દ્રષ્‍ટિએ સંપૂર્ણપણે આત્‍મનિર્ભર બનીને મેડિકલ ગેસ પાઇપ લાઇન સપ્‍લાય (એમપીજીએસ) સાથે તબીબી સુવિધા પણ વધારી છે.

(11:13 am IST)