Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દારૂ અંગેની અગાઉના કેસ બાદ ધાક બેસાડવા ભાણવડના પરીવારજનો પર જીવલેણ હુમલો : નાઘેડીના પાંચ શખ્‍સો સામે ગુનો

 જામ ખંભાળિયા, તા. ર૩ :  ભાણવડ પંથકમાં રહેતા એક આસામીએ કેટલાક બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી અંગે પોલીસને જાણ કરવામાં આવતી હોવાની આશંકા પરથી કરવામાં આવેલા હુમલા બાદ આ શખ્‍સો દ્વારા ધાક બેસાડવાના હેતુથી સેવક દેવળિયા ગામના એક યુવાન તથા તેમના પરિવારજનો પર હુમલો કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામની સીમમાં રહેતા ભરતભાઈ નવઘણભાઈ ઓડેદરા નામના ૨૫ વર્ષીય યુવાન દ્વારા જામનગર તાલુકાના નાઘેડી ગામના રહીશ રામ ઉર્ફે રામકો જીવાભાઈ મહેશ,  રણજીત લીલાભાઈ ભુતીયા, વિરમ ગાંગાભાઈ ભુતીયા, વિજય ગાંગાભાઈ ભુતીયા અને ઈરફાન કાસમભાઈ કાટલીયા નામના કુલ પાંચ શખ્‍સો સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ભરતભાઈ ઓડેદરાના બનેવી મુકેશભાઈ ઉર્ફે કારાભાઈએ અગાઉ પોલીસને દારૂ અંગેની માહિતી હોવાની શંકા કરી ઉપરોક્‍ત આરોપીઓ દ્વારા ભરતભાઈના બનેવી મુકેશભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો. આ બાદ બનેવીની સારવાર અર્થે ફરિયાદી ભરતભાઈ ગયા હતા.  જેનો ખાર રાખી, આરોપીઓ દ્વારા ગેરકાયદેસર દારૂના ધંધા બાબતે પોલીસને કોઈ માહિતી ન આપે તેવી ધાક બેસાડવા માટે ઉપરોક્‍ત પાંચેય આરોપીઓ રવિવારે મધ્‍યરાત્રિના સમયે ફરિયાદી ભરતભાઈ ઓડેદરાના રહેણાંક મકાનમાં ઘસી આવ્‍યા હતા.

મોટરકારમાં લોખંડના પાઇપ, લાકડાના ધોકા, છરી વિગેરે જેવા મારક હથિયારો સાથે ઘસી આવેલા આરોપીઓએ ફરિયાદી ભરતભાઈના ઘરમા પ્રવેશ કરી તેમને પડકાર્યા હતા. પરિસ્‍થિતિ જોઈ અને ભરતભાઈ જીવ બચાવવા પોતાના રહેણાંક મકાનની વાડીએથી નજીકમાં રહેતા સુલેમાનભાઈ નામના એક આસામીના મકાને જતા રહ્યા હતા. જ્‍યાં ચાર આરોપીઓએ તેમનો પીછો કરી, સુલેમાનભાઈને વચ્‍ચે નહીં આવવા નહિતર તેમના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં આરોપીઓ દ્વારા ફરિયાદી ભરતભાઈને બિભત્‍સ ગાળો કાઢી, મારી નાખવાના ઈરાદાથી લોખંડનો પાઈપ ભરતભાઈના માથામાં ફટકારી, ‘‘તારા બનેવી ઉપર જીવલેણ હુમલો કર્યો છે, તેવી હાલત તારી કરી નાખવાની  છે''- તેમ કહી જીવલેણ હુમલો કર્યાની તથા આરોપી ઈરફાન કાસમ કાટલીયાએ તેમના પત્‍ની અને પુત્રને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્‍યો છે.

 આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), ૪૪૭, ૩૩ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:46 pm IST)