Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબી સિરામિક ઉદ્યોગ વિકાસની ગાડી હવે ટોપ ગિયરમાં દોડશે, વિકાસના નવા દ્વાર ખુલશે : પાનેલી રોડ ૫૦૦ હેકટરમાં સિરામિક જીઆઇડીસી બનશે

સિરામિક ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયની માંગ સંતોષાશે : સિરામિક એસોસીએશનના હોદેદારો ગાંધીનગરમાં : ૧૫,૦૦૦ કરોડના પ્રારંભિક રોકાણની ધારણા

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૩ : કોરોના મહામારી વચ્ચે પણ કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપનાર મોરબીના સિરામિક હબ પ્રત્યે અંતે ગુજરાત સરકારે ધ્યાન કેન્દ્રિત કરી લાંબા સમય જૂની માંગ સંતોષવા ૫૦૦ હેકટર જમીન ઉપર વિશાળ સિરામિક જીઆઇડીસી નિર્માણને સરકારે લીલીઝંડી આપી છે અને અહીંના પાનેલી રોડ ઉપર સિરામિક જીઆઇડીસી માટે જમીનનો સર્વે સહિતની સંલગ્ન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટર એમ. થેન્નરાશનએ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝની વિકાસની હરણફાળ જોતા મોરબીથી ૧૧ કિલોમીટર દૂર પાનેલી રોડ ઉપર ૫૦૦ હેકટર જમીન ઉપર સિરામિક પાર્ક નિર્માણ કરવા સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી અહીં સીરામીક ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે સિરામિક ઉદ્યોગને આનુષંગિક ઉધોગ માટે પણ જગ્યા ઉપલબ્ધ બનાવવામાં આવશે.

દરમિયાન આજે ગુજરાત સરકાર દ્વારા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પેશિયલ જીઆઇડીસી બનાવવાની સત્ત્।ાવાર જાહેરાત કરવાની સાથે સાથે મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હોવાથી વોલ, ફ્લોર અને વીટ્રીફાઇડ ટાઈલ્સના પ્રમુખ ગાંધીનગર દોડી ગયા છે. દરમિયાન સિરામિક એસો. ફ્લોર ટાઇલ્સ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા અને વીટ્રીફાઇડ ટાઈલ્સના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ સરકારના સિરામિક પાર્ક નિર્માણના નિર્ણયને આવકારી આવનાર દિવસોમાં સિરામિક ઉદ્યોગ બમણા જોશથી પોતાની તાકાત બતાવશે તેમ ઉમેર્યું હતું.

હાલમાં સીરામીક કલસ્ટર મોરબીમાં ૮૦૦થી વધુ યુનિટ ધમધમી રહ્યા છે અને જુદા-જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સીરામીક ફેકટરીઓ આકાર લઇ રહી છે ત્યારે મોટી પાનેલી નજીક ૫૦૦ હેકટર એટલે કે, ૧૨૫૦ એકરથી વધુ જમીન ઉપર આંતરિક રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, લાઈટ સહિતની સુવિધા તેમજ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પણ એક જ સ્થળે ઉપલબ્ધ બને તે માટે આગોતરું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા નવા સિરામિક પાર્કમાં અંદાજે રૂપિયા ૧૫૦૦ કરોડના નવા રોકાણ આવશે તેવો આશાવાદ પણ વ્યકત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કોરોના કાળમાં એક તરફ સમગ્ર દેશના વ્યાપાર ઉદ્યોગ લોકડાઉન અને કોવીડ ગાઈડલાઇનના નિયંત્રણ વચ્ચે ઓકિસજન ઉપર આવી ગયા હતા. તેવા સમયે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં મોરબી સીરામીક કલસ્ટર દ્વારા ૧૫ હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ દેશને કમાઈ આપ્યું હતું. સાથે સાથ મોટાપ્રમાણમાં રોજગારીનું પણ સર્જન કરી બીજી લહેર વચ્ચે પણ લોકોને રોજગાર પૂરો પાડ્યો હતો.

(11:36 am IST)