Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

'વિશ્વ સંગીત દિન'અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'નાં પ્રાચીન ભજનો ગુંજયા

ભજનના આરાધક, સંશોધક, લેખક ડો. નિરંજનભાઈ રાજયગુરૂએ ઘોઘાવદર સ્થિત આનંદ આશ્રમ ખાતે હ્રદયસ્પર્શી 'સ્વરાંજલિ'અર્પણ કરી. : ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ચોટીલાના સાહિત્ય-પ્રેમીઓની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ,તા. ૨૩: વિશ્વ સંગીત દિન અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીનાં પ્રાચીન ભજનો ગુંજયાં. ભજનના આરાધક, સંશોધક, લેખક ડો. નિરંજનભાઈ રાજયગુરુએ ઘોઘાવદર સ્થિત આનંદ આશ્રમ ખાતે હ્રદયસ્પર્શી સ્વરાંજલિ અર્પણ કરી. સોરઠી સંતવાણીમાં આલેખાયેલી ગોરખનાથ, કબીર, રૈદાસ, મીરા, હરજી ભાટી, જેસલ-તોરલ, દેવાયત પંડિત, મૂળદાસ, ભવાનીદાસ, રવિભાણ સંપ્રદાયના ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, દાસ હોથી અને દાસી જીવણ, લખીરામ, લખમા માળી, સતી લોયણ, રામૈયા, ગંગા સતી, જેઠીરામ, કાજી મહમદશા જેવાં ઈશ્વરપ્રેમી અને સેવાભાવી સંત-કવિઓની અમરવાણીનો આસ્વાદ કરાવ્યો હતો. ભીમ અગિયારસ તથા વિશ્વ યોગ દિનનો પણ અનોખો સંયોગ રહ્યો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલાના સાહિત્ય-પ્રેમીઓ કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ભરતસિંહ ડાભી, ઉગ્રસેનસિંહ ગોહિલ, વાઘુભાઈ ખવડ, શાંતુભાઈ ખવડ અને પ્રવીણભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ડો. નિરંજનભાઈનો સેવાભાવી પરિવારઃ પત્ની રક્ષાબેન, પુત્રો હરિઓમ અને ભાર્ગવ, પુત્રવધૂ રિધ્ધિ અને ચાર-વર્ષીય પૌત્રી દેવાંશી પણ હાજર રહ્યાં હતાં. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર જીવંત પણ માણ્યો હતો.

૧૯૮૨માં દાસી જીવણઃ જીવન અને કવન વિષય પર પી.એચડી પદવી પ્રાપ્ત કરીને ડો. નિરંજનભાઈ રાજયગુરૂ (મો. ૯૮૨૪૩૭૧૯૦૪) ૧૯૮૩-૮૪માં કેશોદ આર્ટસ કોલેજ તથા ૧૯૮૫-૧૯૯૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. આ છોડીને ૧૯૯૦થી પૂર્ણરૂપે સેવા અને સંશોધનની પ્રવૃત્ત્િ।ઓમાં લીન થઈ ગયા. ગાંધી-મૂલ્યોને વરેલાં શિક્ષક પિતા વલ્લભભાઈ રાજયગુરુ દ્વારા ૭૦ વર્ષ પૂર્વે સ્થાપિત ગોંડલથી સાત કિ.મી. દૂર ઘોઘાવદર સ્થિત આનંદ આશ્રમમાં સ્થાયી થયા ને સંસ્થાને સંશોધનક્ષેત્રે આતંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. ભારતભરમાં અઢી લાખથી વધુ કિ.મી.નો સંશોધન માટે વ્યાપક પ્રવાસ કર્યો. ૨૫ જેટલાં પુસ્તક-સંશોધનગ્રંથોનું લેખન કર્યું. ૧૮૦૦૦ જેટલાં દુર્લભ ગ્રંથોનો સંગ્રહ અહિ ઉપલબ્ધ છે. ૬૨ જેટલી ગાયની અહિની ગૌશાળામાં સેવા થાય છે. સંત-સાહિત્યના સંપૂર્ણ સંદર્ભરૂપ www.ramsagar.org વેબસાઈટનું નિર્માણ કર્યું. ભારત સરકારની સંગીત નાટક અકાદમી, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, ઝવેચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ, કવિ કાગ એવોર્ડ જેવાં અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત પણ થયા છે.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:42 am IST)