Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજુલાના રેલ્વે આંદોલનના સૌરાષ્ટ્રમાં પડઘા : રેલ રોકો આંદોલન -આવેદન

અંબરીશભાઇ ડેરના આંદોલનને ઠેર-ઠેર સમર્થન : પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં આંદોલન વધુ વેગવંતુ

તસ્વીરમાં ધોરાજીમાં રેલ્વે સ્ટેશને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ તા. ર૩ :.. અમરેલી જીલ્લાના રાજૂલામાં રેલ્વેના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ  ડેરનું આંદોલન યથાવત છે અને આ આંદોલન આજે વિસ્તર્યુ છે તેમજ રાજૂલાના લોકોને ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાનીમાં જુદી જુદી જગ્યાએ આવેદન પત્રો પાઠવીને રેલ રોકો આંદોલન કરવામાં આવ્યુ છે. તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ છે કે રાજૂલા શહેર મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક વે બનાવવા રાજૂલા નગરપાલિકાએ રેલ્વે સાથે કરાર કરેલ છે. તેમ છતાં જમીનનો કબ્જો ન મળતાં ધારાસભ્ય અંબરીશભાઇ ડેર છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે.

આજે રાજૂલાના પ્રશ્નો માટે અંબરીશભાઇ ડેરને સમર્થન આપવા અને આ વિસ્તારના રેલ્વેને લગતા સ્થાનીક પ્રશ્નોને આવેદનમાં જોડીને સ્થાનીક કક્ષાએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતાં.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : રેલ્વે સ્ટેશન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રેલ્વે પ્રશ્ને ચાલી રહેલ આંદોલન કારો દ્વારા રેલ રોક આંદોલનની ચીમકીને પગલે ધોરાજી રેલ્વે સ્ટેશન ખાતે સવારથી ધોરાજીના પીઆઇ જાડેજા અને પીએસઆઇ નયનાબેન કદાવાલા સહિતના પોલીસ સ્ટાફ હાજર રહેલ અને રેલ ધોરાજી આવી પહોંચી હતી અને કોઇપણ આંદોલન કરનારા આવેલ ન હતા.

ઉપલેટા

ઉપલેટા : ભાવનગર રેલ્વે ડિવીઝન નીચે આવતા રાજુલામાં રેલ્વે પાસે પડતર જમીન રેલ્વે એ કિક કરી રાજુલા નગર પાલીકાને શરતો અને કંડિશનોએ વાપરવા આપેલ હતી. આ જમીનના એગ્રીમેન્ટ કરી રાજુલા નગર પાલીકાને આ જમીન આપવામાં આવેલ હતી. આ જમીનમાં નગર પાલીકાએ કામ શરૂ કરતા રાજકીય દખલગીરી થી નગરપાલીકાને આપેલ આ જમીનમાં રેલ્વેએ ગેરકાયદેસર ખાંભા ખોડી કબ્જો વારતા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલ્વે સામે છેલ્લા ૨૦ દિવસ થયા આંદોલન ચલાવવામાં આવી રહયું છે. આમ છતાં રેલ્વે એ કોઈ જવાબ ન આપતા આજે આ આંદોલનને સૈારાષ્ટ્રભરમાં ફેલાવવાના ઈરાદાથી આજે રેલ્વે રોકો આંદોલનમાં આંદોલનની જાહેરાત કરવામાં આવેલ છે.

આ રેલ રોકો આંદોલનના પડધા ઉપલેટા શહેરમાં પડેલ હતા. ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલ્વે રોકવામાં ન આવે અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે નહિ તેવા ઈરાદાથી આજ સવારથીજ રાજકોટ જીલ્લા પોલીસ વડાની સુચનાથી ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કનેરીયાભાઈ ને નજર કેદ કરી વહેલી સવારથી જ તેમના ધરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો.આમ રાજુલા રેલ્વે રોકો આંદોલનના પડઘા ઉપલેટા શહેરમાં પડેલ છે.

(11:45 am IST)