Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સાવરકુંડલાના કાઠી ક્ષત્રીય અને રાજગોર વૃધ્ધની અતુટ દોસ્તીની દાસ્તાન

આજીવન દોસ્તી નિભાવી... એક દોસ્ત વિદાય થયો, તો બીજા મિત્રએ જીજીવિષા જ છોડી દીધી

સાવરકુંડલા, તા., ૨૩: અહીં વસતા અને બાળપણ, યુવાનીથી લઇ વૃધ્ધાવસ્થા સુધી સતત સાથે રહી આજીવન મિત્ર રહેલા બે વડીલોની આ કહાની છે.

આપણે અવારનવાર સમાચારોમાં સાંભળતા આવ્યા છીએ કે સામાન્ય બાબતોમાં મિત્રો તો ઠીક સગા ભાઇઓ કાયમ માટે જુદા પડી જતા હોય છે. ત્યારે સાવરકુંડલાના રાજગોર બ્રાહ્મણ જેમનુ઼ મુળ નામ શિવલાલ ગોવિંદજી મહેતા પણ ઓળખાય બચુભાઇ ગોર તરીકે અને કાઠી દરબાર બદરૂભાઇ ખુમાણ, આ બન્ને બાળપણનાં લંગોટીયા ભાઇબંધો, બચુભાઇની ઉંમર થઇ હતી. ૯૦ વર્ષ અને બદરૂભાઇની ઉંમર ૮૩ આટલી ઉંમરે પણ એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવ અકબંધ. એક બીજા વગર થોડા દિવસો પણ એકલા કાઢી ન શકે. છેલ્લા થોડા વર્ષોથી બચુભાઇનો પરીવાર ધંધાના કારણે મહારાષ્ટ્રનાં પુના શહેરમાં વસવાટ કરતો હતો. છતાં બન્ને મિત્રો નિયમીત દર રવિવારે કલાકો સુધી ટેલીફોનીક  અને વિડીયો કોલીંગ દ્વારા સતત સંપર્કમાં રહેતા હતા. આ ઉપરાંત એકાદ બે મહિને અચુક બચુભાઇ ગોર પુનાથી સાવરકુંડલા રૂબરૂ આવી. એકાદ-બે દિવસ રોકાઇ જતા.

હવે બન્યુ એવું કે ૧૪ એપ્રિલે અચાનક બચુભાઇની તબીયત લથડીને હાર્ટએટેકથી અવસાન થઇ ગયું. વળી કુદરત એવી રૂઠી કે બીજા વીકમાં તેમના પત્ની પણ અવસાન પામ્યા. કુદરતને હજી આટલેથી સંતોષ ન થયો હોય તેમ થોડા દિવસોમાં બચુભાઇના ભાઇ અને ભાભી પણ મૃત્યુ પામ્યા. આ બધી ઘટનાઓનો ખુબ જ માનસીક આઘાત, નિવૃત પોલીસ ઇન્સ્પેકટર એવા બદરૂભાઇ ખુમાણને લાગ્યો. તેમણે ર૩ એપ્રિલે પોતાના પરીવારને એકઠો કરીને સંકેત આપી દીધો કે બસ હવે આજથી મારે મારી મેડીનો દાદર ઉતરવો નથી. (તેઓનો બેડરૂમ રહેણાંકમાં પહેલા માળે હતો) બસ તે દિવસથી તેમની તબીયત ધીમે ધીમે લથડવા લાગી. જમવાનું પણ બંધ કરી દીધું. માત્ર પ્રવાહી ઉપર જ દિવસો પસાર કરવા લાગ્યા. પરીવારે સાવરકુંડલા, અમરેલી, અમદાવાદનાં ખ્યાતનામ ડોકટરોની સલાહ મુજબ ઘેર બેઠા સઘન સારવાર કરી. કારણ કોઇ હોસ્પીટલમાં એડમીટ થવા તૈયાર જ ન હતા. અમદાવાદ સ્થિત સમગ્ર ગુજરાતનાં સુવિખ્યાત પદ્મશ્રી ડો.તેજસ પટેલના માર્ગદર્શન પ્રમાણે પણ સારવાર કરી. પણ તેમણે જીજીવિષા જ છોડી દીધી હતી. બસ દરરોજ પોતાના દિવંગત મિત્ર બચુભાઇ ગોરને યાદ કરી. ઇશારા દ્વારા તેમની પાસે જવાની જીદ લીધી હતી. છેલ્લે ૧પ-પના રોજ રાત્રે ૯ આસપાસ પોતાના મોટા દિકરા પ્રતાપભાઇને ઇશારાથી પાણી પીવડાવવાનું કહયું અને પાણી પીધા બાદ તુરત જ શ્વાસ છોડી દીધા અને તેમણે અગાઉથી કહી દીધા મુજબ પોતે જીવતા કયારેય દાદરો ઉતર્યા નહી. તેમનો પાર્થીવ દેહ જ ઉતારવો પડયો.

વર્તમાન સમયમાં આવી નિસ્વાર્થ, નિખાલસ, નિર્દોષ દોસ્તીનાં કિસ્સા જવલ્લે જ જોવા મળે ત્યારે આ બન્ને મિત્રોએ જીવનનાં છેલ્લા શ્વાસ સુધી દોસ્તી નિભાવી અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયું છે.

(1:05 pm IST)