Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીનાં નટરાજ ફાટકે ૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનશેઃ ૬૦ કરોડ બાદ કોસ્ટ વધારાના ૨૦ કરોડ મંજુર કરાયા

સિરદર્દ સમાન ટ્રાફિક સમસ્યામાં લોકોને રાહત થશે : માર્ગ અને મકાન વિભાગ પાલિકાની દેખરેખ હેઠળ બ્રિજ નિર્માણ કામગીરી કરશે : વધારાનો રૂ.૨૦ કરોડનો ખર્ચ મંજુર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૩ :મોરબી શહેરના નાગરિકો માટે માથાના દુખાવા રૂપ બનેલ નટરાજ ફાટકનો પ્રશ્ન નજીકના ભવિષ્યમાં જ ઉકેલાય જશે. રાજય સરકાર દ્વારા નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણ માટે વધારાનો રૂપિયા ૨૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને સર્વે સહિતની કામગીરી પૂર્ણ થવા પામી છે અને ચોમાસા બાદ રૂપિયા ૮૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલુ થશે.

મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ માટે મોરબી નગરપાલિકા દ્વારા નટરાજ ફાટક ઓવરબ્રિજ નિર્માણ કરવા મહત્વપૂર્ણ પ્રોજેકટ સરકારમાં અને રેલવે તંત્ર સમક્ષ મુકવામાં આવ્યો છે અને અગાઉ ૬૦ કરોડ રુપિયાના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણ કરવા નક્કી થયા બાદ પ્રોજેકટ કોસ્ટમાં વધારાના રૂ.૨૦ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

વધુમાં, મોરબી નગરપાલિકા પાસે ટેકિનકલ ટીમ ન હોવાથી સમગ્ર પ્રોજેકટ પાલિકાની નિગેહબાની હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું. દરમિયાન મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ નટરાજ ફાટક ઓવરબ્રિજ પ્રોજેકટ અંગે જણાવ્યું હતું કે ઓવરબ્રિજ માટેનો સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચોમાસાની વિદાય બાદ મોરબીનો મહત્વપૂર્ણ પ્રોજેકટ શરૂ થનાર હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નટરાજ ફાટક ઓવરબ્રિજ પ્રોજેકટમાં રેલવે ફાટક નજીક જ આવેલ મોરબીની વિરાસત અને આસ્થાના પ્રતીક એવા મોરબીના રાજવી સ્વ. વાઘજી ઠાકોરની પ્રતિમાને કોઈ અડચણ ન આવે તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે અને ઝડપભેર આ પ્રોજેકટનો શુભારંભ કરી સત્વરે નિર્માણકાર્ય થાય તે માટે પાલિકા અને માર્ગમકાન વિભાગ પ્રયત્નશીલ હોવાનું બન્ને અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે,નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણની વાત લાંબા સમયથી ગુંજે છે ત્યારે મોરબી માટેનો આ મહત્વપૂર્ણ પ્રોજેકટ કયારે શરૂ અને કયારે પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

(1:31 pm IST)