Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કેશોદના બામણાસા ઘેડમાં ધંધા રોજગાર બંધ રાખી ૧૯૮૩ની હોનારતમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી

બામણાસા ઘેડમાં ૩૮ વર્ષ પૂર્વે થયેલી હોનારતમાં ૭૦ ઇંચ વરસાદ પડતા ૫૯ લોકોએ જીવ ગુમાવતા હૃદય કંપી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળેલા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૩ : આજથી ૩૮ વર્ષ પૂર્વે એટલેકે ૧૯૮૩માં કેશોદના બામણાસા(ઘેડ) અને આજુબાજુના ઘેડ પંથકમાં હોનારત થઈ હતી. ૨૨ જૂન ૧૯૮૩ના દિવસે આ વિસ્તારમાં ૭૦ ઇંચ વરસાદ પડતા સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો હતો. જેમાં ઘણા બધા લોકોના મોત નિપજયા હતા.

આ હૃદયકંપી ઉઠે તેવી ઘટનાને ગઈકાલે ૩૮ વર્ષ પુરા થતા આ હોનારતની ઘટનાને યાદ કરી બામણાસાના ગામલોકોએ ગઈકાલે તા.૨૨ના વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પેલ હતી.

આ ૧૯૮૩ની હોનારત વખતે ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં ઓઝત, ઉબેણ, મધુવંતી નદીઓમાં ભારે પુર આવતા ગાંડીતુર બની હતી. સમગ્ર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાતા બે બે દિવસ સુધી ઘરમાં પાણીએ ભરડો લેતા બામણાસા ઘેડ ગામના ૫૯ લોકોના મોત નિપજયા હતા. આ ગામમાં થયેલી મોતનો આંકડો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ હતો. આ દિવસને યાદ કરતા બામણાસાના ગામ લોકોએ જણાવેલ કે એ દિવસને યાદ કરતા એ દષ્યો આજે પણ નજર સમક્ષ તરી આવતા હ્રદય કંપી ઉઠેછે.

આ હોનારતમાં ૭૦ ઇંચ જેવો વરસાદ પડતા ગાંડીતુર નદીઓના પાણી ફરી વળતા કેશોદનો ઘેડ વિસ્તાર ઉપરાંત વંથલી, શાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો સહિતનો સમગ્ર વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જેમાં બે દિવસ સુધી લોકો ઘરની છત પર બેસી દિવસો પસાર કર્યા હતા. આ ભયાનક જળપ્રકોપના ચાર દિવસ બાદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ખાસ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આજે પણ લોકો તે ક્ષણને યાદ કરી ધ્રુજી ઉઠે છે.

(1:35 pm IST)