Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઉદ્યોગપતિ ગૌતમભાઈ અને ડો. પ્રીતિબેને અદાણી પરિવારના ૧૦૦૦ સદસ્યો સાથે કર્યો યોગાભ્યાસ

અદાણી ફાઉન્ડેશને ફીટ ઈન્ડિયા, યોગ યાત્રા અને ગીત સંગીત સાથે લોકોને યોગ માટે પ્રેરિત કર્યા

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :  અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ અદાણી પરિવારના ૧૦૦૦ થી વધુ સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ધ્યાન, આરોગ્ય અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ્ય રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું હતું

અદાણી શાંતિગ્રામના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે હરિયાળા વાતાવરણમાં યોગ નિષ્ણાતોએ એક કલાકના યોગસત્રમાં સૌને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. અગાઉ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશને ગુજરાતના ૭૫ પ્રતિષ્ઠિત સ્થળોને આવરી લેતી યોગયાત્રાનું આયોજન કર્યું હતું. યોગ-યાત્રામાં ગુજરાતના ૭૫ હેરિટેજ, પ્રવાસન, પુરાતત્વીય અને ઐતિહાસીક સ્થળોને આવરી લઈ યોગના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા હતા. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે લેન્ડમાર્ક સ્થાપત્યોની પણ પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતની અનોખી સંસ્કૃતિ, ઈતિહાસ, આર્કિટેક્ચરલ અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓને શોર્ટફિલ્મો રૂપે ઉતારવામાં આવ્યા હતા.
તદુપરાંત સચિન-જીગર દ્વારા બનાવાવામાં આવેલું અને શંકર મહાદેવને ગાયેલું ગીત 'યોગ કરો'થી પણ લોકોમાં યોગ વિશે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું. આ ગીતમાં યોગની વિવિધ મુદ્રાઓ સાથે ગુજરાતના સૌંદર્યને ઉજાગર કરવામાં આવ્યું છે. ગીતમાં દર્શાવેલા પ્રત્યેક આસન અને મુદ્રાઓ તે ચોક્કસ સ્થળ સાથે જોડાયેલા છે, જેમ કે ગીર જંગલમાં સિંહાસન, વ્રુક્ષાસન અને મયુરાસન જેવા આસનોનું પ્રદર્શન છે. આમ અદાણી ગ્રૂપએ યોગ જાગૃતિ દ્વારા લોકોને યોગ માટે પ્રેરિત કર્યા હતા.

(10:01 am IST)