Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

હળવદના પ્રધાનમંત્રી આવાસોમાં પાણીની હૈયાહોળીથી કંટાળી રહીશો હિજરત કરવા મજબૂર

‘દોઢ મહિનાથી પાણીના ધાંધિયા સર્જાયા હોવાથી પાણી વગર વલખા' હળવદ પાલિકા આ પાણી પ્રશ્‍નો ઝડપી ઉકેલ ન લાવે તો ઉચ્‍ચકક્ષા સુધી લડત ચલાવવાનો લલકાર

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૩: અહીના પ્રધાનમંત્રી આવાસોમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની હૈયાહોળી સર્જાઈ છે અને પાણીની સમસ્‍યાને કારણે હિજરત કરવા મજબૂર બનવું પડશે. પ્રધાનમંત્રી આવાસોમાં દોઢ મહિનાથી પાણીના ધાંધિયા સર્જાયા હોવાથી સ્‍થાનિકોને પાણી વગર વલખા મારવાની નોબત આવી છે. આથી સ્‍થાનિકો હાલ રજુઆત કરી હળવદ પાલિકા આ પાણી પ્રશ્‍નો ઝડપી ઉકેલ ન લાવે તો ઉચ્‍ચકક્ષા સુધી લડત ચલાવવાનો ચીમકી ઉચ્‍ચારી છે.

હળવદમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા મકાનોમાં રહેતા સામાન્‍ય પરિવારના લોકોએ હાલ તેમના પ્રધાનમંત્રી આવાસોમાં પાણી પ્રશ્‍ને હળવદ નગરપાલિકાને રજૂઆત કરી છે. સ્‍થાનિકોએ હળવદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્‍યું હતું કે, તેમના પ્રધાનમંત્રી આવાસોમાં છેલ્લા દોઢેક મહિનાથી પાણીની કારમી તંગી સર્જાઈ છે. દોઢ મહિનાથી પાણી આવતું ન હોવાથી આ પ્રધાનમંત્રી આવાસોમાં રહેતા લોકોને ઘણી બધી તકલીફો વેઠવી પડે છે. જેમાં પીવાનું પાણી તેમજ ઘરકામના વપરાશ માટે પાણી જ મળતું ન હોવાથી લોકોના પાણી મેળવવા માટે દર દર ભટકવું પડે છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી આવાસોમાં પાણીનો સમસ્‍યાને કારણે ખાસ કરીને વળદ્ધો તેમજ બીમાર વ્‍યક્‍તિઓ અને બાળકોની કફોડી હાલત થાય છે. આ પાણી -‘ે હળવદ નગરપાલિકામાં રજુઆતોનો ધોધ વહાવ્‍યો છે. પણ નપાણીયુ તંત્ર તેમના વિસ્‍તારની પાણીની સમસ્‍યા હલ કરવામાં નાકામ પુરવાર થયું છે. આથી નગરપાલિકાના પાપે પાણી પ્રશ્‍ન સહન ન થવાથી અહીંના લોકો આ પ્રધાનમંત્રી આવાસો ખાલી કરવા મજબૂર બન્‍યા હોવાની વેદના વ્‍યક્‍ત કરી હતી. આજ એક પાણીની જ નહીં રોડ, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને આ કવાર્ટસ છોડવા મજબૂર બનવું પડશે. તેમજ જો હળવદ પાલિકા ટુક સમયમાં આ પ્રશ્‍ન હલ નહિ કરે તો જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી રજુઆત કરવાનું જણાવ્‍યું છે.

(10:30 am IST)