Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સાવરકુંડલા-ખાંભામાં ર, ભુજમાં ૧ાા ઇંચઃ સવારે પવનના સુસવાટા

રાજકોટમાં પણ વહેલી સવારે વરસી ગયોઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણમાં પલ્‍ટોઃ ધોધમાર વરસાદની રાહ જોતા લોકો

પ્રથમ તસ્‍વીરમાં આટકોટ, બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ગોંડલ તથા ગ્રામ્‍ય વિસ્‍તારો ચોથી તસ્‍વીરમાં ગારીયાધાર, પાંચમી તસ્‍વીરમાં ભુજમાં પડેલ વરસાદ નજરે પડે છે.(તસ્‍વીરઃ કરશન બામટા (આટકોટ), ભાવેશ ભોજાણી (ગોંડલ), ચિરાગ ચાવડા (ગારીયાધાર) વિનોદ ગાલા (ભુજ) (૪.૮

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવતા અનેક જગ્‍યાએ  ઝાપટાથી માંડી ર ઇંચ સુધીનો વરસાદ વરસ્‍યો હતો.

સૌથી વધુ અમરેલી જીલ્લાના ખાંભા અને સાવરકુંડલામાં ર ઇંચ વરસદ વરસ્‍યો હતો. જયારે કચ્‍છના ભુજમાં દોઢ ઇંચ વરસ્‍યો હતો.

રાજકોટમાં પણ સવારે ૬ વાગ્‍યા આસપાસ ઘટાટોપ વાદળા અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. જે થોડીવાર વરસ્‍યો હતો અને કોઇ જગ્‍યાએ વધુ તો કોઇ જગ્‍યાએ ઓછો વરસ્‍યો હતો.

ગીર સોમનાથના ગીરગઢડામાં પોણો ઇંચ, કોડીનારમાં ઝાપટા વરસ્‍યા છે.

જયારે સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલા અને થાનગઢમાં ઝાપટા પડયા છે.

ભાવનગર જીલ્લાના મહુવામાં એક ઇંચ તથા તળાજામાં અડધો ઇંચ તથા પાલીતાણા અને જેશરમાં ઝાપટા પડયા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારો તથા વાસાવાડમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી શહેરમાં ઝાપટારૂપે વરસાદ પડયો હતો. જયારે ખાંભા-સાવરકુંડલામાં ર ઇંચ તથા અમરેલી બગસરા, વડીયામાં ઝાપટા પડયા છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ સહિત વિસ્‍તારોમાં આજે વહેલી સવારે થી વરસાદ સરૂ થયો હતો રસ્‍તા પર થી પાણી વહી ગયા હતાં લોકો રાત્રે ગરમી ઉકળાટ થી ત્રાહિમામ પોકારી ગયા હતાં પંખાની હવા પણ સામાન્‍ય લાગતી વહેલી સવારે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો ધાબા પર ઊંઘી રહેલા માં દોડધામ મચી ગઇ હતી. પવન સાથે વીસ મિનિટ વરસ્‍યો હતોવીસ મીનીટ પછી મેધરાજાએ ચાલતી પકડી હતી ખેડુતો ધોધમાર વરસાદની આશા બંધાઈ હતી. કૈલાસનગર વિસ્‍તારમાં વરસાદ થતાં જ વિજળી ગુલ કલાકો સુધી લાઈટો આવી નહીં લોકો ત્રાહિમામ પોકારી ગયા અવાર નવાર લાઈટો ગુલ થઈ જાય છે વરસાદ પડે ત્‍યાં લાઈટો ગુલ થઈ જાય ભાવનગર હાઇવે ભાદર નદી પુલ પર વરસાદી પાણી ભરાઇ જતા ચાલી ને જતાં લોકોને વાહનો પાણી ઉડાડીને ભરી મુકે છે પુલ પર પાણીનો નિકાલ માટે વ્‍યવસ્‍થા કરવામાં આવે  તે જરૂરી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને જેસરમાં એક ઈંચ વરસાદ પડ્‍યો છે જયારે ઘોઘા અને ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસી ગયા હતા.

ગોહિલવાડ પંથકમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે પરંતુ હજુ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્‍યો નથી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જેસરમાં ૨૮ મી.મી. ગારિયાધારમાં ૨૫ મી.મી. ભાવનગર શહેરમાં ૪ મી.મી.અને ઘોઘામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા : જસદણ અને વિંછીયા પંથક સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. વિંછીયા લાલાવદરમાં વરસાદ અમરાપુર ઘેલા સોમનાથ સહિતના વિસ્‍તારોમાં વરસાદ પડયો છે. જસદણ  શહેરના રસ્‍તાઓ પર વરસાદી પાણી ભરાયા ભાદર નદીમાં વરસાદ પાણીના નવા નીર આવ્‍યા છે.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને ખાંભા પંથકમાં આજે સવારે ૬ થી ૮ સુધીમાં જોરદાર બે ઇંચ વરસાદ પડી ગયાનું વાપીથી જીતેન્‍દ્ર રૂપારેલીયા જણાવે છે. સૌરાષ્‍ટ્રમાં મોડી રાતથી જ વરસાદી વાતાવરણ જામતુ જાય છે. રાજકોટમાં પણ સવારે વીસેક મિનિટ તોફાની પવન સાથે વરસાદ પડી ગયો હતો.

સાવરકુંડલા

(દિપક પાંધી) સાવરકુંડલાઃ ચોમાસાની શરૂઆતમાં બે વખત સારો વરસાદ વરસ્‍યા પછી છેલ્લા સાતેક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. જો કે વરસાદી હવામાનને કારણે વાતાવરણમાં સતત ઉકળાટ રહેતો હતો અને લોકો બફારાથી ત્રાસી ગયા હતા અને સારો વરસાદ થાય તેની રાહ જોઇ રહયા હતા. ત્‍યારે આજે વહેલી સવારે પ.૧પ કલાકે સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો. મીઠી નીંદર માણી રહેલા લોકો સાંબેલાધાર વરસાદથી જાગી ગયા હતા. જોત જોતામાં પાણી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેર ઉપરાંત તાલુકાના નેસડી-ધાર-કેરાળા-અમૃતવેલ-નાના મોટા જીજુંડા-પીઠવડી-પીયાવા અને વંડા તેમજ શહેરની ઉતરે આંબરડી-વિજપડી-બાઢડા વગેરે ગામોમાં પણ વરસાદ પડયાના વાવડ છે. ખેડુતોએ વાવણી કર્યા પછી સમયસર સારો વરસાદ આવી જતા ખેડુતોમાં હરખની હેલી ઉતરી છે. આ વરસાદથી જાન-માલને નુકશાન થયું ન હોય તંત્રએ પણ હાશકારો અનુભવ્‍યો છે. સીઝનનો કુલ વરસાદ પાંચ ઇંચ થવા જાય છે.

(11:21 am IST)