Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જામનગર મહાનગરપાલિકા ઓનલાઇન બાંધકામ વિકાસ મંજુરીમાં રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને

મહાનગરપાલિકાને ઓનલાઇન બાંધકામ વિકાસ મંજુરી આપવાથી કરોડોની આવક

જામનગર : બાંધકામ વિકાસ મંજૂરી માટે ઓનલાઈન વિકાસ પરવાનગી પ્રક્રિયામાં રાજયમાં જામનગર મહાનગર પાલિકા અગ્રેસર રહી છે.

રાજય સરકાર દ્વારા શહેરમાં બાંધકામ મંજુરી માટે ઓનલાઈન પ્રક્રિયા 2018થી અમલી કરવામાં આવી. જે ઓનલાઈન વિકાસ પરવાનગી પ્રક્રિયામાં રાજયભરમાં અગ્રેસર જામનગર મહાનગર પાલિકા રહ્યું છે. જેનાથી મહાનગર પાલિકાને કરોડો રૂપિયાની આવક પણ થઈ છે.

મેં 2018થી સમગ્ર ગુજરાત રાજયમાં ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ (O.D.P.S.) લાગુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તમામ વિકાસ પરવાનગીઓ ફરજીયાત રીતે IFP ( ઈન્વેસ્ટર્સ ફેસીલીટેટ પોર્ટલ ) પર કરવાની રહેતી હતી. એક સપ્તાહમાં રાજયની કુલ 10 ઓનલાઈન વિકાસ પરવાનગીઓને મંજુરી આપવામાં આવી હતી. જે 7 મે 2018ના મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી હસ્તક 10 પરવાનગી આપવામાં આવી હતી. જે પૈકી 2 જામનગર શહેરની હતી.

જામનગર મહાનગર પાલિકામાં ODPS અંતર્ગત કુલ 4543 વિકાસ પરવાનગીની અરજી થઇ છે. જેમાંથી 3950 અરજી મંજુર કરવામાં આવી છે. જયારે 343 અરજીને નામંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત ઈ-નગર અંતર્ગત દાખલ કરવામાં આવેલ અરજી કુલ 6364 થયેલ છે. જેમાંથી 5553ને મંજુરી આપવામાં આવેલ છે. જયારે 514 અરજી ના મંજુરી થયેલ છે. હાલ 297 અરજી પ્રક્રિયામાં છે.

બંન્નેનો સરવાળો જોઈએ તો કુલ 2018થી હાલ સુધીમાં જામનગર મહાનગર પાલિકામાં વિકાસ પરવાનગીની કુલ 10,907 વિકાસ પરવાનગીની અરજી મળેલ છે. જેમાંથી કુલ 9503 અરજીઓને મંજુરી મળેલ છે. જયારે 857 અરજીઓ નામંજુર કરવામાં આવેલ છે. તો 297 અરજી હાલ પ્રક્રિયા હેઠળ છે.

વિકાસ પરવાનગીની મંજુરી પ્રક્રિયા વધુ ઝડપી બનતા મહાનગર પાલિકાની આવકમાં વધારો થયો છે. 2018થી હાલ સુધીમાં કુલ રૂ. 132 કરોડથી વધુની આવક મહાનગર પાલિકાને થઈ છે. વર્ષ 2018-19માં કુલ આવક રૂ. 39.60 કરોડ , વર્ષ 2019-20માં રૂ. 41.12 કરોડ, વર્ષ 2020-21માં 38.20 કરોડ, 2021-22માં હાલ સુધીમાં અંદાજીત રૂ. 13 કરોડ સુધીની આવક થઈ છે. આમ કુલ ત્રણ વર્ષમાં ઓનલાઈન વિકાસપરવાનગીના કારણે મહાનગર પાલિકાને રૂ. 132 કરોડ સુધી આવક થઈ છે.

જામનગર મહાનગર પાલિકાની ટીપીઓ શાખાની ટીમ વર્કના કારણે ઓનલાઈન પરવાનગી પ્રક્રિયાનો ઝડપી નિકાલ કરવામાં આવે છે. જેના કારણે ઓનલાઈન વિકાસ પરવાનગી અંગે રાજયમાં અગ્રેસર જામનગર શહેર બન્યુ છે. જેના આંકડા પરથી સ્પષ્ટ કહી શકાય કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજયમાં સૌથી વધુ બાંધકામ જામનગર શહેરમાં થયા છે. કોરોનાના કપરા સમય અને લોકડાઉન હોવા છંતા જામનગર મહાનગર પાલિકાની ટીપીઓ શાખાની આવક 2020-21માં રૂ. 38.20 કરોડ થઈ છે.

(8:53 pm IST)