Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર મળી આવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૨ : દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ગાંધીનગર વનવિભાગની ટીમ દ્વારા કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર મળી આવી છે. આથી વેરાન રણ બન્યું સુરખાબ પક્ષીઓનું અનોખુ મેટરનિટી હોમ બનવા પામ્યું છે. વેરાન રણમાં અસ્તિત્વમાન ૭૪ જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.

દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે.જેમાં ગાંધીનગર વનવિભાગની ટીમ દ્વારા કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી લાઇનબધ્ધ માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર મળી આવી છે. પરંતુ હાલમાં ભારે વરસાદના પગલે અને સરસ્વતી, બનાશ અને રૂપેણ સહિતની નદીઓના ચિક્કાર પાણી રણમાં ઠલવાયા હોવાથી હાલમાં આખુ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે.

 આથી બજાણા અભ્યારણ્ય વિભાગમા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહીતની ટીમ હજી રણમાં જઇ શકી નથી. આથી એકાદ બે દિવસમાં આ ટીમ રણમાં જઇને કેટલા પક્ષીઓ, કેટલી માળા વસાહતો અને કેટલા બચ્ચાઓની વિગત મેળવી ફોટોગ્રાફી સાથેનો રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર વનવિભાગને મોકલી આપવામાં આવશે.

 આ અનોખી વસાહતની ખાસિયતો

સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. અને ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી ૪૦થી ૪૫ ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે.

તેમ અનીલભાઇ રાઠવા- રેન્જ ફોરેસ્ટ ઓફિસર- અભ્યારણ્ય વિભાગ- બજાણાએ જણાવ્યું છે.

ગાંધીનગર વનવિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટીંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી છે.

 ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ નેસ્ટીંગ કરવાની શરૂઆત કર્યા બાદ ૨૦૦-૩૦૦ જેટલા માળા બનાવ્યા બાદ રણમાં મુશળધાર વરસાદથી એમનું નેસ્ટીંગ નિષ્ફળ ગયું હતુ.

નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં નોંધાઇ હતી. આ વસાહત ૨૫૦ જેટલા એકરમાં નોંધાઇ હતી. તેમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગષ્ટ-૧૯૯૮માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ જેટલા માળા, ૩૦,૦૦૦ જેટલા પુખ્ત ઉંમરના પક્ષીઓ અને ૨૫,૦૦૦ જેટલા બચ્ચાં હતા.

૫૦૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે ૨ લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યા છે. હાલમાં આ ૨લાખથી વધુ પક્ષીઓ સામેં અભ્યારણ્ય વિભાગમાં ૧ આર.એફ.ઓ., ૬ રાઉન્ડ ફોરેસ્ટર, ૪ બીટગાર્ડ મળી માત્ર કુલ ૧૧જણાનોં જ સ્ટાફ છે.

(10:37 am IST)