Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સરધારમાં વાછરાદાદાના મંદિરમાંથી ૩૭ હજારના છત્તરની ચોરીનો ભેદ ઉકેલાયોઃ જસદણ વેરાવળનો ગોવિંદ પકડાયો

પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું રટણઃ સરધારમાં છત્તર વેંચવા આવ્યો ને આજીડેમ પોલીસે પકડ્યો : પીઆઇ વી. જે. ચાવડાની ટીમને સફળતાઃ કોન્સ. કુલદિપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા અને જયપાલભાઇ બરાળીયાની બાતમી

રાજકોટ તા. ૨૩: સરધાર ગામમાં આવેલા વાછરાદાદાના મંદિરની મુર્તિ ઉપરથી કોઇ રૂ. ૩૭૫૦૦નું આશરે ૭૦૦ ગ્રામ વજનનું ચાંદીનું છત્તર છોરી ગયું હતું. આ ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી જસદણના ભાડલા તાબેના વેરાવળ ગામના ગોવિંદ લવાભાઇ કોબીયા (ઉ.વ.૪૨) નામના શખ્સને બાતમી પરથી સરધારની મેઇન બજારમાંથી દબોચી લઇ છત્તર કબ્જે કર્યુ છે. આ શખ્સ બજારમાં છત્તર વેંચવા આવતાં પકડાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સરધારના વાછરાદાદાના મંદિરમાંથી છત્તર ચોરાઇ ગયું હોઇ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. પરંતુ શકમંદોની ઓળખ થઇ શકી નહોતી. તેની હલન ચલન, કદ કાઠીનો અભ્યાસ કર્યા બાદ ટેકનીકલ વર્કઆઉટની મદદ લઇ પંદર જેટલા શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી હતી. એ દરમિયાન કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા અને શૈલેષભાઇ નેચડાને બાતમી મળી હતી કે એક શખ્સ સરધારની બજારમાં ચાંદીનું છત્તર વેંચવા આવ્યો છે. તેના આધારે પ્રભુકૃપા જ્વેલર્સ પાસેથી એ શખ્સને દબોચી પુછતાછ કરતાં પોતાનું નામ ગોવિંદ કોબીયા (રહે. વેરાવળ જસદણ) જણાવ્યું હતું. તેની પાસેથી છત્તર મળતાં તે અંગે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ મંદિરમાંથી તા. ૩/૯/૨૧ના સાંજે સાડાસાતેક વાગ્યે ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી છત્તર કબ્જે કરાયું હતું.

પૈસાની જરૂર હોવાથી તેણે આ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ વી. જે. ચાવડાના સુપરવિઝનમાં પીએસઆઇ  એમ. ડી. વાળા, એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, મનહરસિંહ જાડેજા, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, શૈલેષભાઇ નેચડા, ભીખુભાઇ મૈયડ અને જયેન્દ્રભાઇ દવેએ આ કામગીરી કરી હતી.

(10:38 am IST)