Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વીરપુર મેવાસા રોડ પાસે ત્રણ તળાવમાં ગાબડા : રીપેર કરવા ખેડૂતોની માંગ

વીરપુર,તા. ૨૩: વીરપુરમાં આવેલ મેવાસા રોડ પાસે સરિયામતી નદીના કાંઠે બાંધેલ બે તળાવ તેમજ તે રોડ પર આવેલ ધજાધાર તળાવ તેમ કુલ ત્રણ તળાવ જે ચાલુ વર્ષે સારા વરસાદને લઈને ત્રણેય તળાવો પાણીથી ભરાઈ ગયા હતા.

પરંતુ આ ત્રણેય તળાવમાં ગાબડા પડી જતા તળાવોમાં ભરેલ પાણી વહી જવા પામ્યું છે ત્યારે તળાવની આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ત્રણેય તળાવોના પાણીથી ૨૦૦ થી ૨૫૦ જેટલા ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક માટે પિયતમાં ખૂબ જ ફાયદો થાય છે અને માલધારીઓ પણ પોતાના પશુઓને આ તળાવો માંથી પાણી પીવડાવે છે ત્યારે હાલ આ ત્રણેય તળાવોમાં હાલ ગાબડા પડી ગયા હોવાથી પાણી વહી જાય છે અને ધજાધાર તળાવને તો હજુ બે-ચાર મહિના પહેલા જ જિલ્લા પંચાયતની માતબર રકમની ગ્રાન્ટમાંથી રીપેરીંગ કર્યું છે.

છતાં તળાવના રીપેરીંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી પાણી વહી જાય છે ત્યારે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આ ત્રણેય તળાવને વ્યવસ્થિત રીતે રીપેર કરવામાં આવે અને વહી જતા પાણીને અટકાવવામાં આવેતો આ વિસ્તારના ૨૦૦ થી ૨૫૦ જેટલા ખેડૂતો શિયાળુ અથવા ઉનાળુ પાકમાં પણ પિયત માટે પાણીનો ઉપયોગ કરી શકે ત્યારે આ ત્રણેય તળાવોને પાણી વહી જાય પહેલાં સત્વરે રિપેર કરવા ખેડૂતોમાં માંગ ઉઠી છે.

(11:43 am IST)