Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પોરબંદરના પંચહાટડી ગાંધી શેરી ભાટીયા બજારમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ગટરના ભળતા પાણી

તંત્રની નબળી કામગીરીથી રોગચાળાનો ભયઃ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩: શહેરના પંચહાટડી ગાંધી શેરી ભાટીયા બજાર જગન્નાથ શેરી લાખાણી ફળીયા સહીતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી વ્યકત કરીને તંત્રને રજુઆત કરી છે.

નગર પાલીકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી, ભારતીબેન ગોહેલ, હરીશભાઇ મોતીવરસ, અશ્વીનભાઇ દેવજીભાઇ મોતીવરસ, વગેરે આગેવાનોએ તંત્રને રજુઆતમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં મીશન સીટી યોજના હેઠળ ભુગર્ભ ગટર સહીત કરોડો રૂપીયાના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ એ કામ અત્યંત નબળુ અને હલકી ગુણવતાવાળુ થતુ હોવાની ફરીયાદો કોંગ્રેસ દ્વારા થઇ હોવા છતા ભાજપ શાસીત સરકારે જરા પણ ધ્યાન આપ્યુ ન હતું અને તેથી તેના માઠા ફળ અત્યારે પોરબંદરવાસીઓ ભોગવી રહયા છે. શહેરમાં ભુગર્ભ  ગટરો ઉભરાઇ રહી છે.  એટલુ જ નહી પરંતુ ભુગર્ભ ગટરના પાણી પીવાના પાણીની પાઇપ લાઇન સાથે ભળી ગયા છે. જેમાં ભુગર્ભ ગટરની નબળી કામગીરીને લીધે મીઠી મસ્જીદ વિસ્તાર, જુની ખડપીઠ પાછળ કાબાવલીયા વિસ્તાર, પંચહાટડી, જગન્નાથ શેરી, લાખાણી ફળીયુ, ગાંધી શેરી, ભાટીયા બજાર, પીરવાળી શેરી, કનુભાઇના દવાખાના વિસ્તારમાં ભુગર્ભ ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને રોગચાળાનો ભય ફેલાયો છે. કારણ કે પીવાનું સ્વચ્છ પાણી પુરૂ પાડવુ એ નગર પાલીકાની ફરજ છે.

ભુગર્ભ ગટરનું ગંદકીથી ખદબદતુ પાણી પાઇપ લાઇનમાંથી આવી રહયું છે. સરકારના કરોડો રૂપીયા વેડફાઇ રહયા છે. તેમ જણાવીને કોંગ્રેસના આગેવાનોએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરની ચેમ્બરોની અંદર જ પાણીની પાઇપ લાઇન લીકેજ થઇ જાય છે અને તેથી ગટરના પાણી સીધા જ નળવાટે લોકોના ઘરમાં આવે છે. પીવા માટે તો ઠીક પરંતુ નાહવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય નહી તેવા ગંધાતા પાણી છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:50 pm IST)