Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સ્વર્ગસ્થને કોરોના વેકસીન પ્રકરણમાં મોરબીના મેડિકલ ઓફિસરને શોકોઝ નોટિસ

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩ : મોરબીમાં સ્વર્ગસ્થ વ્યકિતને કોરોના વેકસીનેશન કરવાનો ભયંકર ગોટાળો બહાર આવ્યા બાદ આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે હાલ મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારી છે અને આ પ્રકરણની ઉંડી તપાસ હાથ ધરી છે.

મોરબીના સર્કિટ હાઉસ પાસે રહેતા ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાજી રાજેન્દ્રસિંહનુ તારીખ ૨૩/૦૪/૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આમ છતાં વડાપ્રધાનના જન્મ દિવસ ૧૭/૦૯/૨૨ ના રોજ તેમના પિતાજી રાજેન્દ્રસિંહ મદારસિહ જાડેજાને વેકસીન આપી હોવાનું આરોગ્ય વિભાગે નોંધ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, રાજેન્દ્રસિંહ એપ્રિલ માસમાં અવસાન પામ્યા હોવા છતાં તેમના નામનુ પ્રમાણપત્ર પણ જનરેટ થઈ ગયું હતું.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ સો ઓરડીના મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ ફટકારી છે. અને જ્યારે મેડિકલ ઓફિસરે નોટિસના જવાબમાં જણાવ્યું હતું કે, ૧૭ તારીખે વેકિસનેશન માટે વધારે સાઇટ રાખી હોય તેથી એન્ટ્રી કરવા માટે બીએલઓ અને તલાટીની પણ મદદ લેવામાં આવી હતી. આથી, આ કેસમાં કોણે ભૂલ કરી તે અંગે તપાસ હાથ ધરી છે.

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત મોરબીમાં 'ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન'નું

નહેરુ યુવા કેન્દ્ર અને જે. એ. પટેલ મહિલા કોલેજના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ''ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન''નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫-૦૯-૨૦૨૧, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જે. એ. પટેલ મહિલા કોલેજ, નવા બસ સ્ટેશનની પાછળથી શરૂ કરીને જી.આઇ.ડી.સી. રોડ, શનાળા રોડ, સરદાર બાગથી પરત જે.એ. પટેલ મહિલા કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવેલ છે.

ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ અન્વયે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે.

આ વર્કશોપનો હેતુ બાળકો 'રાષ્ટ્રીય એકતા દિવસ' વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે અને આ હેતુને ધ્યાને લઈ તા.૨૪/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન ધોરણ ૦૬ થી ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક માટેનું આયોજન થનાર છે.

મોરબી જિલ્લામાંથી ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, વ્હોટ્સએપ મોબાઈલ નંબર, ધોરણ, સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી વિગત સાથે આધારકાર્ડનો સ્પષ્ટ ફોટો જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઈમેલ આઈડીઃ  dydomorbi36@gmail.com પર તા. ૦૯/૧૦/૨૦૨૧ સુધી મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે. ઼

માળીયા(મી) હરીપર ખાતે તેમજ કોટડા નાયાણી ના પાટીયે આશાપુરા મઢના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

 મોરબીમાં માળીયા (મી.)ના હરીપર ખાતે આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે દેવ સોલ્ટ, સુરજબારી પુલ પાસે, હરીપર, માળીયા ખાતે લિયોનેટ લેમિનેટ્સ, રિયલ ટચ લેમિનેટ્સ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને પટેલ વિજય ટીંબર માર્ટના સંયુકત ઉપક્રમે તારીખ ૨૫/૦૯થી ૦૨/૧૦ સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ૨૪ કલાક ચા – નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે શાંત વાતાવરણમાં આરામની વ્યવસ્થા અને મોબાઈલ ચાર્જની સુવિધા આપવામાં આવશે.

વધુ વિગત માટે દયારામભાઈ પટેલ ૯૮૨૫૨ ૪૬૫૫૧, દિલીપસિંહ જાડેજા ૯૯૭૯૧ ૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧ ૮૯૧૪૩ અથવા દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮ ૨૧૭૬૬નો સંપર્ક કરી શકાશે.

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કોટડા નાયાણીના પાટીયે સેવા કેમ્પ.

 આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપૂત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, ન્હાવા તથા મેડિકલ સુવિધા રાખવામાં આવી છે. સાથે પ્રસાદ-ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ માધવ હોટેલના ગ્રાઉન્ડમાં રાજકોટથી ૨૦ કિમિ મોરબી રોડ પર કોટડા નાયાણીના પાટીયે તા.૨૩  થી ૨૭ સુધી રાખવામાં આવ્યો છે. કેમ્પમાં પધારી તેનો લાભ લેવા પદયાત્રીઓને કોટડા નાયાણી રાજપૂત સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(1:12 pm IST)