Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબીમાં ૧૦૦ ટકા વેક્સિનેશન માટે વોર્ડ વાઇઝ રાત્રી રસીકરણ કરાશે.

મોરબી નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટીંગમાં લેવાયેલો નિર્ણય

 મોરબીમાં આમ તો કોરોના વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ આગામી ગાંધી જયંતિ એટલે ૨ ઓક્ટોબર પહેલા મોરબી શહેરમાં ૧૦૦ ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરવા તંત્રએ કમર કસી છે. આ માટે આજે નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં વોર્ડ વાઇઝ અને રાત્રી રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આગામી ૨ ઓક્ટોબર પહેલા મોરબી શહેરમાં વેકશીનની કામગીરી તમામ વોર્ડમા ૧૦૦% પુર્ણ થાય તે માટે આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે એક અગત્યની મીટીંગ યોજાઈ હતી. જેમાં સીટી મામલતદાર જી.એચ. રૂપાપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર કોટડીયા સહિતના શહેરના આરોગ્યના અધિકારીઓ અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૦૦ ટકા વેક્સનેશનનો લક્ષ્યાંક પાર પાડવા વોર્ડના કાઉન્સિલરનો સાથ લઈ રસીકરણ કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ વોર્ડ વાઇઝ વેક્સીનેશન અંગેના કેમ્પ કરવા અને તે મુજબના પુરતા પ્રયત્નો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શહેરના ઘણા વિસ્તારોમાં શ્રમજીવી હોય લોકો દિવસ દરમિયાન મજૂરી કામને કારણે ઘરે હાજર ન હોવાથી આ શ્રમજીવી લોકોને પણ રસીકરણમાં આવરી લઈ તેમના માટે રાત્રી રસીકરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો તંત્ર ગાંધી જયંતિ પહેલા શહેરમાં ૧૦૦ ટકા રસીકરણની કામગીરીમાં વળગી ગયું છે ત્યારે ખરેખર તંત્ર ગાંધી જયંતિ પહેલા આ રસીકરણનો લક્ષ્યાંક પૂરો કરી શકશે કે કેમ તે જોવાનું રહ્યું.

 
 
   
(9:44 pm IST)