Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનો શુભારંભ

જુદા જુદા 10 જેટલા સ્વ સહાય જૂથો દ્વારા હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ઇમિટેશન જવેલરી, ખાણીપીણી સહિતની વસ્તુઓનું વેચાણ થશે:તા.૨૭ સપ્ટેમ્બર સુધી સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી મેળો રહેશે ખુલ્લો

સુરેન્‍દ્રનગર:રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન હેઠળ મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગારી માટે કાર્યરત સ્વસહાય જૂથોના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ, જોરાવરનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. નવરાત્રીના પર્વને ધ્યાને રાખતા બજારમાં હાથ બનાવટના પરંપરાગત ચણિયાચોળી સહિતના વસ્ત્રો, અલંકારો ની માંગ છે ત્યારે આ પ્રકારની વસ્તુઓ બનાવતી સ્વસહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનો માટે સારું બજાર મળી રહે તે માટે તા.૨૭.૦૯.૨૦૨૨ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૧૦:૦૦ કલાક સુધી આ નવરાત્રી મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

  આ મેળામાં જુદા જુદા ૧૦ જેટલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ખાણીપીણીની વિવિધ વસ્તુઓ, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટના ઉત્પાદનો જેવા કે પગ લુછણીયા, ખાદીની વસ્તુઓ, આસન પટ્ટા, શેતરંજી, દોરી વર્ક, ગૃહ સુશોભનની વસ્તુઓ, ચણિયા ચોળી, કટલરી, જ્વેલરી, થેલી-થેલા જેવી કાપડની બનાવટો, પટોળા, ઇમિટેશન જવેલરી સહિતની સહિતની અલગ-અલગ વસ્તુઓ આ મેળામાં વેચાણ અર્થે ઉપલબ્ધ હશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની જનતાને મેળાની મુલાકાત લેવા તથા ચીજ વસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રીક મેનેજર પ્રતિરૂપ શર્મા, ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજર અરાસું બર્નાબસ, જિલ્લા લાઇવલી હૂડ મેનેજર સતીષ ગમાર સહિત સ્વ સહાય જૂથોની બહેનો સહિત મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:53 am IST)