Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વંથલી પાલિકાનાં ચીફ ઓફિસર જોશીને સુચના પ્રમાણે કામગીરી કરવા સભ્‍યની ધમકી

નગરપાલીકાને તાળુ મારી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩: વંથલી પાલિકાના ચીફ ઓફિસર મયુર જોશીએ સભ્‍ય સીરાજ વાજાએ તેમની સુચના પ્રમાણે કામગીરી કરવા અને નગરપાલીકાને તાળુ મારી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.
ફરિયાદના પગલે પોલીસે ત્‍વરિત નગરસેવકની અટકાયત કરી લીધી હતી.
વંથલી નગરપાલીકાનાં ચીફ ઓફિસર મયુરભાઇ વસંતરાય જોશી ગુરૂવારે બપોરના પાલિકા કચેરીમાં ફરજ ઉપર હતા.
ત્‍યારે નગરપાલિકાના સદસ્‍ય સીરાજભાઇ હારૂકભાઇ વાજા આવ્‍યા અને તેમણે ચીફ ઓફિસર જોશીને તેઓની સલાહ-સુચના પ્રમાણે કામગીરી કરવાનું કહ્યુ હતું.
આથી મયુર જોશીએ સીરાજ વાજાને સરકારના નિયમો મુજબ કામગીરી કરવા અને ફરજ બજાવવાનું જણાવ્‍યુ હતું.
આથી સીરાજભાઇએ ઉશ્‍કેરાઇ જઇને ચીફ ઓફિસર જોશીને ગાળો બોલી તેમની સુચના પ્રમાણે કામગીરી કરવાનું દબાણ કરી અને તેમ નહિ કરવામાં આવે તો નગરપાલીકાને તાળુ મારી દેવાની ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.
આ અંગે ચીફઓફિસર મયુર જોશીએ સાંજે ફરિયાદ કરતા હેડ કોન્‍સટેબલ વી.જે.વદરે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ફરિયાદનાં પગલે પી.એસ.આઇ વી.કે.ઉંજીયાએ ત્‍વરિત તપાસ હાથ ધરી સભ્‍ય સીરાજ વાજાની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી.

 

(11:50 am IST)