Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરના ગુજસીટોક કેસમાં જયેશ પટેલ ગેંગના પાંચ આરોપીના સુપ્રિમમાં ડિફોલ્‍ટ બેઇલ મંજુર

પોલીસની ૯૦ દિવસમાં ચાર્જશીટ કરવાની બેદરકારીના કારણે એડવોકેટ વસંતભાઇ માનસાતા, બિલ્‍ડર નિલેષ ટોળીયા, જીમ્‍મી પટેલ, યશપાલ જાડેજા તથા જશપાલ જામીનને જામીન આપતી સુપ્રિમ કોર્ટ : ચાર્જશીટનો સમય વધારવાની માંગણી સુપ્રિમે ધ્‍યાને લીધી હતી : સંજય દત્તાનો ટાડાનો કેસ ટાંકી ડિફોલ્‍ટ બેઇલ મંજુર કરાયા...

રાજકોટ તા. ૨૩ : જામનગરના બહુચર્ચિત જમીન પચાવી પાડવા અંગેના ગુજસીટોક એકટ હેઠળના ગુનામાં પકડાયેલ એડવોકેટ વસંતભાઇ માનસાતા સહિતના પાંચ આરોપીઓના ડીફોલ્‍ટ બેઇલ સુપ્રિમ કોર્ટ દ્વારા મંજુર થયાનું જાણવા મળે છે.
જેઓની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. તેમાં જામનગરના સીનીયર એડવોકેટ વસંતભાઇ માનસાતા, જૈન અગ્રણી અને બિલ્‍ડર નિલેષભાઇ મનસુખભાઇ ટોપીયા, જીમ્‍મી પટેલ, યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે ૯૦ દિવસની સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરેલ ન હોય પ્રથમ આરોપીઓએ રાજકોટની ગુજસીટોકના કાયદાની ખાસ અદાલતમાં જામીન અરજી કરી ડીફોલ્‍ટ બેઇલના સિધ્‍ધાંત હેઠળ જામીનમુક્‍ત કરવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતના વિરોધમાં પોલીસ તરફથી તપાસ ચાલુ હોવાનું જણાવી સ્‍પે. સરકારી વકીલ મારફત ચાર્જશીટનો સમય લંબાવી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
આ રજૂઆતને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીઓને ડીફોલ્‍ટ બેઇલનો લાભ નહિ આપતા આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટે પણ જામીન અરજી રદ્દ કરી હતી.
ઉપરોકત બંને કોર્ટોના ચુકાદાઓ સામે આરોપીઓ દ્વારા દેશની સર્વોચ્‍ચ અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી.
આ જામીન અરજી સાથે બચાવપક્ષના વકીલ દ્વારા ૧૯૯૩ના બોંબ ધડાકાના કેસના આરોપી અને ફિલ્‍મ સ્‍ટાર સંજય દત્તા કેસનો ચુકાદો રજુ કરીને એવી રજૂઆત કરવામાં આવેલ કે, સામાન્‍ય રીતે ડીફોલ્‍ટ બેઇલના કાયદા હેઠળ જ્‍યારે પણ આરોપીઓ દ્વારા જામીન અરજી થાય ત્‍યારે આરોપીઓને સાંભળવાની તક આપવી જોઇએ જે આ કેસમાં આપવામાં આવી નથી.
વધુમાં સુપ્રિમ કોર્ટમાં બચાવપક્ષે રજૂઆત કરવામાં આવેલ કે, ચાર્જશીટનો સમય ગેરકાયદેસર રીતે લંબાવવામાં આવેલ છે ત્‍યારે બંધારણીય જોગવાઇ મુજબ જ્‍યારે પણ આરોપીઓને સાંભળવાની તક આપવામાં આવેલ ન હોય ત્‍યારે તેઓની રજુઆતને નજર અંદાજ કરી શકાય નહિ.
આ કામે ફિલ્‍મ કલાકાર સંજય દત્તની જામીન અરજીના કિસ્‍સામાં ઉચ્‍ચ અદાલતે આપેલ ચુકાદાને માન્‍ય રાખીને સુપ્રિમ કોર્ટે જામનગરના આ ગુજસીટોકના બહુચર્ચિત કેસમાં ઉપરોકત પાંચ આરોપીઓના ડીફોલ્‍ટ બેઇલ માન્‍ય રાખી જામીન મંજુર કર્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્‍યો તે સમયે જ ગુનો જામનગર પોલીસમાં નોંધાયો હતો. જેમાં અસંખ્‍ય લોકોની જમીન પચાવી પાડી બારોબાર વેચી નાખવા અંગે આ બનાવે સમગ્ર ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવી હતી.
આ કેસમાં પોલીસની ૯૦ દિવસની સમય મર્યાદામાં ચાર્જશીટ કરવાની બેદરકારીનો લાભ ધ્‍યાને લઇને સુપ્રિમ કોર્ટે પાંચેય આરોપીના જામીન મંજુર કરતા ફરીયાદપક્ષના કેસને ભારે લપડાક લાગી છે. આ કેસનો સૂત્રધાર જયેશ પટેલ હાલ વિદેશમાં હોય તેને ભારત લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્‍યારે જયેશ પટેલ ગેંગના પાંચેય આરોપીના સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કરતાં ભારે ચકચાર જાગી હતી.
આ કેસમાં આરોપીઓ વતી સુપ્રિમમાં એડવોકેટ નિત્‍યા રામચંદ્ર, હાઇકોર્ટમાં આશીષ ડગલી તથા રાજકોટના કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, વિમલ ચોટાઇ, ભગીરથસિંહ ડોડીયા, શ્રી સાકરીયા તથા પ્રદ્યુમન ગોહિલ અને નિખીલ ગોહિલ રોકાયા હતા.

 

(4:00 pm IST)