Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પોરબંદરમાં પ્રાચીન સંસ્કૃતિની જયોત જલતી રાખતી માત્ર પુરૂષો માટેની દીવેચા કોળી સમાજની ગરબી

૯૮ વર્ષથી ચાલતી પ્રાચીન ગરબીમાં પુરૂષો દેવી-દેવતાઓની વેશભુષામાં રમે છેઃ આ ગરબીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરાતો નથીઃ ગરબી રમનારે મોતી ભરેલી ટોપી પહેરવી ફરજીયાતઃ છંદ અને લયબધ્ધ ગરબાની જળવાતી પરંપરા

પોરબંદર, તા., ૨૧: પ્રાચીન સંસ્કૃતિની જયોત જલતી રાખતી દીવેચા કોળી સમાજની વિશિષ્ટ ગરબીના ૯૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. માત્ર પુરૂષો આ ગરબીમાં મોતી ભરેલ વિશિષ્ટ ટોપી પહેરવી ફરજીયાત છે.

લીમડા ચોકમાં દિવેચા કોળી સમાજ દ્વારા ૯૮ વર્ષથી યોજાતી અનોખી ગરબીમાં માઇક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઇ રહી છે. આ ગરબીમાં માત્ર પુરૂષો જ રમી શકે છે. ગરબી રમનારા પુરૂષોએ ટોપી પહેરવી ફરજીયાત છે. વર્ષો  પહેલા અમેરીકાની ડયુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

સરકારી આર.જી.ટીચર્સ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ અને જાણીતા કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડાએ  જણાવેલ કે માં શકિતની ઉપાસનાથી માનવ હ્રદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સવંત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઇ સોલંકી તથા મિત્રોએ કરી હતી. સ્વ. જાદવભાઇએ ભદ્રકાલી માતાજીના ગરબાની સ્વરચના કરી હતી સ્વર, તલ અને લય આ ગરબીમાં જોવા મળે છે.

જયા માત્ર પુરૂષે જ ગરબી રમે છે જયાં માઇકનો ઉપયોગ થતો નથી. પ્રદુષણ મુકત ગરબી છે અને આ ગરબી રમનાર પુરૂષે માથે મોતી ભરેલ ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજીયાત પહેરે છે. તેવી સૌરાષ્ટ્રભરની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે.

આ ગરબીમાં ડીસ્કો ધુનમાં ફાવે તેમ રંગે ઢંગે કે ઢાળના ગીતો ગવાતા નથી માત્ર ભદ્રકાલી  માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઇ પણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે. અને પુરૂષે એ ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે.

આ આદ્યશકિતના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઇ છે. ગરબીમાં આધુનીક યુવાનો ટોપી પહેરીને આ માતાજીના ગરબી રમવાનું ગૌરવ મહેસુસ કરે છે. ગરબીમાં આજે પણ દીવેચા કોળી સમાજ ભદ્રકાલી માતાજી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઇ સી.બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય સંસ્કૃતિને વેશભુષામં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, નારદજી, ભિષ્મ પિતામહ, લવ-કુશ, હનુમાનજી, જેવા અને દેવ-દેવતાના વેશ પુરૂષ ધારણ કરીને માતાજીનમ ગરબા અન્ય પુરૂષો સાથે ગાય છે. રમે છે આ વેશભુષા સાથે રમત દેવી-દેવતાઓને  પોતાના બાળકોમાં સંસ્કાર ઘડતર થાય તે માટે જોવા માટે જાય છે.

પોરબંદર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગૌરવરૂપ  સાંસ્કૃતીક વારસાને સાચવીને એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતીના આગેવાનો અને કાર્યકરોન ફાળે જાય છે.

આ ગરબીની વિશેષતા એ રહી છે કે ગરબીમાં લાઉડ સ્પીકર રાખવાની મનાઇ છે માત્ર દેૈવી શકિતની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા એ આ ગરબીનો મુખ્ય ઉદેશ રહયો છે. સાંદીપની વિદ્યો નિકેતનના પ્રણેતા રાષ્ટ્રીય સંત ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં આ નવરાત્રીનો ૭પમં વર્ષના ઉત્સવ અમૃત મહોત્સવ તરીકે ભવ્ય રીતે ઉજવાયો હતો અને ભાઇશ્રી એ તે સમયે કરતુ હતુ કે ભારતીય સંસ્કૃતિની જયોત જલતી રખી છે તે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને આ ગરબી મંડળ તેની શતાબ્દી ઉજવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પોરબંદરની ગૌરવ રૂપ અને ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ-વિદેશના મેગેઝીનોમાં લેખ રૂપે પ્રસિધ્ધ થતા દેવ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણ રૂપ બની છે. આ અગાઉ અમેરીકાની ડયુક યુનિવર્સિટીન ડાન્સીંગ વિષયના નિષ્ણંાંત પ્રો. ડો. પુર્ણીમા શાહે પોરબંદરના પુરાત્વવિદ અને જાણીતા સાહિત્યકાર નરોતમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીન સંસ્કૃતિને લઇ ડોકયુમેન્ટરી બનાવવા ટીમ સાથે આવેલા હતા આ ટીમે ગરબી નિહાળીને કહયું હતું કે આ ગરબી ગુજરાતનું નહી હિન્દુસ્તનનું ગૌરવ છે તેમ જણાવી લુપ્ત થતી ભારતીય સંસ્કૃતીને જીવંત રાખવાના પ્રયાસની કદર કરી છે.

ભદ્રકાલી  ગરબી મંડળના પુર્વ પ્રમુખ સ્વ. ભીખાબાપા માલીની રાહબરી હેઠળ પ્રમુખ શ્રી રામજીભાઇ સી. બામણીયા ઉપપ્રમુખ પ્રફુલભાઇ એન.બામણીયા બાબુભાઇ ભાલીયા, મંત્રી રામજીભાઇ મકવાણા, પ્રેમજીભાઇ વાજા, ભીખુભાઇ મકવાણા સહીતના યુવા કાર્યકરો અને મંદિરના પુજારી બીપીનભાઇ આચાર્ય, અરવિંદભાઇ  આચાર્ય તેમજ મગનભાઇ સોલંકી પગેથી ચાલતુ એન્ટીકપીસ સમુ હારર્મોનીયમ સાથે પ્રાચીન ઢબે છંદ લયબધ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે.

આધુનિક નવરાત્રી માંની ભકિતના દર્શન કયાંય જોવા મળતા નથી નવરાત્રી મહોત્સવનું વ્યાપારીકરણ થઇ ગયું છે. અને કાન ફાડી નાખે તેવા પ્રદુષણના અવાજો ડિસ્કો મ્યુઝીક ડી.જે.જેવા ઉપકરણો અને આધુનિક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રીની પારંપરીક ઓળખ ભુલાવી દીધી છે. શકિત અને ભકિતના સ્થાને ફકત નાચગાન એ આજના યુવાનોની નવરાત્રી બની રહી છે ત્યારે રાત્રે ૧૦ થી ૧ર બે જ કલાક દરમિયાન રમાતી એક માત્ર માઇક વગરની ભદ્રકાલી માતાજી મંદિરની વિશિષ્ટ ગરબીમાં ભકિત-શકિતની ઉપાસના જોવા મળે છે. આ પ્રાચીન ગરબી વેબસાઇટ પર નિહાળી શકાય છે.

ભદ્રકાલીના ગરબાની સ્વરચના દિવેચા કોળી જ્ઞાતિના કવિ સ્વ.જાદવભાઇ લખમણભાઇ  સોલંકીએ કરી હતી તે ગરબાવલીમાં પ૦ જેટલા ગરબાનો સમાવેશ કરવામાં આવેલ છે અ ગરબાવલીનું પુનઃ મુદ્રણ પ્રકાશીત કરવામાં આવેલ છે.

ગરબાવલી પુસ્તીકા અને અન્ય માહીતી માટે ભદ્રકાલી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઇ સી. બામણીયા (ભદ્રકાલી રોડ વોર્ડ નં. ૭ શેરી નં. ર પોરબંદર ફોન ૯૯રપ૯૮૮ર૮૦, ૯૪ર૯૦ ૭૪૦૧૪)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:24 pm IST)