Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીમાં સિરામીક રો-મટીરિયલની ખનીજચોરી બદલ ચાર વાહન દંડાયા.

---ખાણખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લે, ચાઈના ક્લે અને કેલસ્પારની રોયલ્ટી વગરના ચાર ટ્રકનો રૂ.11,15,280નો દંડ વસુલ્યો

 મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લે, ચાઈના ક્લે અને કેલસ્પાર જેવી સિરામીક રો-મટીરિયલની ખનીજ ચોરી કરતા વાહનો સામે તવાઈ ઉતારી હાઇવે ઉપરથી અલગ – અલગ ચાર વાહનો પકડી પાડી રૂપિયા 11,15,280નો દંડ વસુલ કર્યો હતો. 
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા તત્વો દ્વારા રેતી ઉપરાંત સિરામીક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ફાયર ક્લે, ચાઈના ક્લે અને કેલસ્પાર જેવા ખનીજની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા હાઇવે ઉપર ચેકીંગ કરવાની સાથે વોચ ગોઠવી પીપળી રોડ, કચ્છ હાઇવે સહિતના જુદા-જુદા વિસ્તારમાંથી આવી સિરામીક રો-મટીરિયલની ચોરી કરવા બદલ ચાર વાહનો ઝડપી લીધા હતા.
વધુમાં ખાણખનીજ વિભાગના અધિકારી ગોપાલભાઈ ચંદારાણાએ જણાવ્યું હતું કે, ફાયર ક્લેની ખનીજ ચોરી બદલ જીજે-13-aw-2808 નંબરના ટ્રક ચાલકને અનુક્રમે 2,51,350, ચાઈના ક્લેની ખનીજ ચોરી કરનાર જીજે-12-BV -9844 નંબરના ટ્રક ચાલકને 2,26,125, ફાયર ક્લેની ખનીજ ચોરી બદલ જીજે-36-V -1560 નંબરના ટ્રક ચાલકને 2,26,125 અને કેલસ્પાર ખનીજની ચોરી કરનાર આરજે-27-ad -7898 નંબરના ટ્રક ચાલકને રૂપિયા 4,11,680 રૂપિયાનો દંડ ફટકારી કુલ રૂપિયા 11,15,280નો દંડ વસુલ કર્યો હતો.

(11:22 pm IST)