Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમરેલીમાં વીજળી સમસ્યા મામલે કોંગ્રેસના બે ધારાસભ્યો મેદાને : ખેડૂતોને સાથે રાખીને PGVCL કચેરીમાં લોકદરબાર

કોંગી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અંબરીષભાઈ ડેર દ્વારા વિજપડી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો માટે લોક દરબાર યોજ્યો : મોટી સંખ્યામાં ખેડૂતો પ્રશ્નો લઈને પહોંચ્યા

અમરેલી જિલ્લામાં વીજ પૂરવઠાના હજુ ધાંધિયા સર્જાયા છે ત્યારે અમરેલીના વિજપડીના ખેડૂતો અને બે કોંગી ધારાસભ્યો વિજપડી ગામે આવેલી પીજીવીસીએલની કચેરીમાં જ લોકદરબાર યોજ્યો હતો ધરતીપુત્રો રજૂઆતો કરીને થાકી ગયા પણ હજુ સુધી વીજ ધાંધિયા યથાવત હોવાનો રોષ ખેડૂતોમાં જોવા મળ્યો હતો

કોંગી ધારાસભ્યો અને ખેડૂતોએ જણાવ્યું કે, વિજપડીમાં તૌકતે વાવાઝોડાના કારણે ખોરવાયેલો ખેત વીજ પુરવઠો આજ દિન સુધી ન મળવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. હાલ રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોય છે પણ ખેડૂતોનોને આજ દિન સુધી વીજ પુરવઠો સરકાર આપી શકી નથી. એક તરફ અતિવૃષ્ટિમાં ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. હવે વીજ પુરવઠો ન મળતા રવિ પાક પણ લઈ શકાય નહીં તેવી સ્થિતિ થઈ છે.
 કોંગી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અંબરીષભાઈ ડેર દ્વારા વિજપડી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિજપડી સબ ડિવિઝન નીચે આવતા ગામડાઓના ખેડૂતો મોટી સંખ્યામાં કચેરીએ પોતાના પ્રશ્ન લઈને આવી ગયા હતા. ખેડૂતોએ પોતાને પડતી હાલાકી વિશે રોષ ભેર પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યોના પ્રયાસથી મોટી સંખ્યા ખેડૂતો એકત્ર થઈ જતા જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ગાડીઓ વિજપડી પહોંચી હતી.

(10:10 pm IST)