Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સાવરકુંડલાઃ કોવિડની આડમાં ભારત સરકારની પાક વિમા યોજના બંધ કરી દીધીઃ વિરજીભાઈ ઠુંમરનો આક્રોશ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૨૩ :. લાઠી-બાબરાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે જણાવ્યુ હતુ કે, સત્તા સામે નાગરીકોમાં અને વિશેષતઃ ખેડૂતોમાં રહેલો અસંતોષ, આક્રોશ તોડવા ભાજપે ગુજરાત સરકારમાં ચહેરા બદલીને વહીવટી ચાલાકી ચાલુ રાખી છે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલા કૃષિ નુકશાન સામે સહાય જાહેર કરી એક રીતે ૩૧ ઓગષ્ટ સુધીમાં જ્યાં વરસાદ જ ન્હોતો પડયો તેવા ખેતરોમાં ફદિયુ પણ નહિ મળે એમ સ્પષ્ટ કર્યુ છે.

ગુજરાતમાં કોવિડની આડમાં ભારત સરકારની સહાય ધરાવતી પાક વીમા યોજનાને બંધ કરી તેના વિકલ્પમાં એક વર્ષથી સીએમ કિસાન સહાય યોજના અમલમાં છે. આ નવી યોજના હેઠળ ખરીફ સિઝનમાં જે તાલુકામાં ૧૦ ઈંચથી ઓછો વરસાદ થાય અથવા ૩૧ ઓગષ્ટ સુધીમાં બે વરસાદ વચ્ચે સળંગ ૨૮ દિવસનું અંતર હોય અને આ સ્થિતિમાં કૃષિ નુકશાન થાય તો તેને અનાવૃષ્ટિ અર્થાત દુષ્કાળનું જોખમ ગણવાનો નિયમ છે.

આ નિયમ મુજબ આ વર્ષે ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૦૪થી વધુ તાલુકાઓમાં સત્તાવારપણે દુષ્કાળની સ્થિતિ હતી.

સીએમ કિસાન સહાય યોજના હેઠળ એક પણ તાલુકામાં અનાવૃષ્ટિ કે દુષ્કાળનું જોખમ જાહેર ન થયું. હવે વરસાદ ખેંચાવાને કારણે જ્યાં પાક નિષ્ફળ ગયો, ઉત્પાદન ઘટયું, ગુણવત્તા નબળી પડે ત્યાંના ખેડૂતોને એક રૂપિયાની સહાય મળશે નહીં. સીએમ કિસાન સહાય યોજનામાં ખરીફ સિઝનમાં ૩૩ થી ૬૦ ટકા પાક નુકશાન થયુ હોય તેમાં કુલ રૂ. ૮૦,૦૦૦થી એક લાખ સુધીની સહાય મળવા પાત્ર છે જેના ઉપર આ વર્ષે પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યુ હતું.

(1:27 pm IST)