Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામનગરના નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ફટાકડાના લાયસન્સ માટે ૧૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

અગાઉ પણ લાંચના ગુન્હામાં ઝડપાતા સસ્પેન્ડ કરાયા બાદ ફરી નોકરી ઉપર લેવાયા હતાઃ ઘરે પણ પોલીસનો જાપ્તો ગોઠવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૨: જામનગરના નાયબ મામલતદાર ફટાકડા ના લાયસન્સ માટે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના એક જાગૃત નાગરિકે એસીબીને જાણ કરીને આરોપી ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય સિનિયર નાયબ મામલતદાર, જામનગર શહેર મામલતદારની કચેરી, વર્ગ-૩ એ લાંચ રૂ.૧૦૦૦૦/- ની માંગણી કરી હતી. જેથી એસીબી ટીમે  ગોકુલ ટ્રેડર્સૅ કરિયાણાની દુકાન પાસે, ખુલ્લા પ્લોટમાં, રડાર રોડ, ગોકુલનગર, જામનગર ખાતે દરોડો પાડ્યો હતો. અને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

જામનગર એસીબી ટીમને માહિતી મળી હતી કે જામનગર શહેર મામલતદારની કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ મેળવવા અભિપ્રાય મળતો ના હોય,જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર જાગૃત નાગરિકનો સંપર્ક કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આ કામના આરોપી  ચેતન ઉપાધ્યાયએ સહકાર આપનાર જાગૃત નાગરિક  સાથે હેતુલક્ષી વાતચીત કરી લાઇસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યો છે.

આ કામગીરી  એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર,  જામનગર એસીબી પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારી - એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, રાજકોટ એકમ રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.

એસીબી ટીમે તેને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. તેમના ઘરે પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો છે.

અગાઉ પણ ચેતન ઉપાધ્યાય લાંચ લેતા ઝડપાયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ પૂનઃ નોકરી ઉપર લેવામાં આવ્યા હતા જયા આજે ફરી વખત રૂ. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે.  

(11:55 pm IST)