Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પતિને છોડી યુવાન સાથે રાજકોટ ભાગી ગયેલ જુનાગઢની મહિલાને સમજાવી ત્રણેય સંતાનોને પિતાને સોંપતી પોલીસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે.' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા લોકોને મદદ કરવા તથા સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.

હાલના સાંપ્રત સમયમાં ફેસબુક અને વોટસ એપ જેવા સોશીયલ મીડીયા ગેર ઉપયોગના કારણે સુખી કુટુંબ ઉપર પડતી વિપરીત અસર ના બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જુનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી એક આધેડ યુવતી, જેનો ૧૫ વર્ષનો લગ્ન ગાળો હોઈ, રાજકોટના યુવક સાથે સોશિયલ મીડિયા આધારે સંપર્કમાં આવતા, પતિ અને ત્રણ છોકરાઓને છોડી, રાજકોટ યુવક સાથે રહેવા જતી રહેલ અને બાદમાં પોતાના ત્રણેય સંતાનોને પણ ફોસલાવી, લઈને રાજકોટ યુનિવર્સીટી વિસ્તારમાં જતી રહેલ હતી. પોતાના ત્રણેય સંતાનોને ખાવા પીવા માટે કાંઈ નહીં આપતા, સંતાનો દ્વારા આજુબાજુના રહીશો દ્વારા સંપર્ક કરતા, પીજીવીસીએલ ખાતે ઇલેકિટ્રક મજૂરી કામ કરતા પતિ યુવક દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતા, તેઓને રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મોકલી, અરજી આપી, જાણ કરવામાં આવેલ હતી.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, પો.ઇન્સ. એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા યુવતીને બોલાવી, ત્રણેય છોકરાઓને પૂછતાં, પોતાની આપવીતી જણાવી, જયારથી પોતાની માતા જૂનાગઢથી અહીંયા લાવી ત્યારથી એક દિવસ ઘરે રહી નથી અને રાત્રે મોડી આવતી હોવાની તથા પોતાને જમવાની કોઈ વ્યવસ્થા નહીં કરતી હોવાની તેમજ ઘણીવાર આજુબાજુના લોકો જમાડતા હોવાની વાત કરેલ અને ત્રણેય સંતાનો પોતાના પિતા સાથે જૂનાગઢ પરત જવા ઇચ્છતા હોવાની વાત પોલીસ સમક્ષ જણાવતા, મહિલા પણ સહમત થતા, ત્રણેય છોકરાઓને એના પિતાને સોંપવામાં આવ્યા હતા. ત્રણેય છોકરાઓની કબૂલાત અને તેમ છતાં મહિલાનો જૂનાગઢ જવાનો ઈન્કાર સાંભળી, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જૂનાગઢ ખાતેથી અન્ય પુરુષ સાથે ભાગી ગયેલ યુવતી પોતાના ત્રણ સંતાનોને પણ સાથે લઈ જઈ, પૂરતું જમવાનું પણ નહીં આપી, હેરાન કરી મુકતા, આજુ બાજુના પાડોશી દ્વારા જૂનાગઢ રહેતા યુવતીના પતિ અને સંતાનોના પિતાને જાણ થતા, જૂનાગઢ પોલીસ દ્વારા તરુણીને હેમખેમ સોંપવામાં રાજકોટ પોલીસ સાથે સંકલન કરી, સગીર ત્રણ બાળકોને પોતાના પિતા સાથે મિલન કરાવતા, બાળકો અને યુવાન પિતા ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ પોલીસની સહાયથી અને રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી, સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે જૂનાગઢના યુવાનને પોતાના ત્રણ સંતાનો પરત મળ્યા અને કોઈ ઘટનાનો ભોગ બનતા બચી ગયેલ હતા. યુવાન પતિ દ્વારા જુનાગઢ પોલીસ અને રાજકોટ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. જુનાગઢ પોલીસ દ્વારા પણ યુવાનને પોતાના બાળકોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

આજના આધુનિક સાંપ્રત સમયમાં સોશીયલ મીડિયાનો દુરૂપયોગ પરિવારમા કેવી વિપરીત અસર લાવે છે...? તેં બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના લોકો માટે લાલબત્તી સમાન સાબિત થયેલ છે.

(1:32 pm IST)