Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

બડોદર ગામે રસ્તો જ નદી બની જતા ખેડૂતો પરેશાન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૨: તાલુકાના બડોદર ગામે કુંડવાડી વિસ્તાર તરીકે ઓળખવામાં આવતાં વિસ્તારોમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચોમાસામાં વરસાદી પાણી ભરાયા છે. ઠેર ઠેર ધોવાણ થવાની સાથે સાથે ભેખડો ઉપર આવી જતાં રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રસ્તા પર પગપાળા ચાલીને જવું પણ જોખમરૂપ બન્યું છે. કેશોદના બડોદરનાં કુંડ વાડી વિસ્તારનાં ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રનાં પેટનું પાણી હાલતું નથી. બડોદરનાં કુંડ વાડી વિસ્તારનાં ખેડૂતો વાડી વિસ્તારમાં રહેણાંક બનાવેલ હોય ત્યારે ચોમાસામાં ચાર મહિના જીવનજરૂરી ચીજવસ્તુઓ કે ખેતીકામ માટે બિયારણ ખાતર કે અન્ય વસ્તુઓ લાવવી હોય તો વાહનો અવર જવર ન થઈ શકતાં હોય માથે ઉપાડીને લાવવું પડે છે.

કેશોદના બડોદર ગામે કુંડ વાડી વિસ્તારનાં ખેડૂતો દ્વારા દર વર્ષે સ્વખર્ચે ચોમાસું પૂરું થયાં બાદ ભરતી કરીને મરામત કરવામાં આવે છે અને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી આવતાં તણાઈ જાય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તો પહોળો કરી બાજુમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોની કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે એવું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે ત્યારે પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે તો હેરાન પરેશાન થતાં ખેડૂતોની મુશ્કેલીનો અંત આવે એવી માંગ આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. 

(1:40 pm IST)