Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કેશોદમાં નવસો રઘુવંશી પરિવારોને ઘરે ઘરે જલારામ પ્રસાદી પહોંચાડવામાં અભૂતપૂર્વ સફળતા

આશરે દોઢસો યુવાનોએ રંગ રાખ્યો, વાહનો આપવા જલારામ ભકતો સામેથી આપ્યા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૩: કોરોના મહામારીના વાતાવરણ વચ્ચે જલારામ જયંતિ નિમિતે સ્થાનિક કેશોદના આશરે ૯૦૦ પરિવારોને ઘરે ઘરે જલારામ પ્રસાદી પહોંચાડવાના આજ સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી હતી લોહાણા સમાજના સ્થાનિકના આશરે દોઢસો જેટલા યુવાનોએ આ કાર્યપાર પાડવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો હતો. તો આ મહાનકાર્ય સફળતા પૂર્વક પાર પાડવા માટે કેટલાક નાના વાહનો વાળાઓએ સામેથી જ ઉત્સાહ બતાવ્યો હતો.

દર વરસે કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતિ આવે છે અને સ્થાનિક લોહાણા મહાજન દ્વારા આ દિવસે બધાને સાથે રાખી ધામધૂમથી ઉજવવાનો વરસોથી પણ લખ્યો કાર્યક્રમ અને જ્ઞાતિ ભોજન યોજાય છે.

પરંતુ આ વરસે કોરોના મહામારીના ખતરનાક વાતાવરણ વચ્ચે પણ વરસોનો આ ક્રમ જાળવી રાખવો એક પડકાર હતો આથી સ્થાનિક લોહાણા મહાજનના ઉપક્રમે (૧) લોહાણા મહાજન (૨) રઘુવીર સેના (૩) રઘુવંશી સોશ્યલ ગ્રુપ અને (૪) લોહાણા મહિલા મંડળની સંયુકત મીટીગ મળી હતી અને તેમાં આ પડકારને ઉપાડી સફળતાપૂર્વક પાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ નિર્ણય મુજબ ૩૦૦ ગ્રામ ગાઠીયા, ૩૦૦ ગ્રામ બુંદી અને ૩૦૦ ગ્રામ શુધ્ધ ઘીના અડદિયા ત્રણે અલગ અલગ કોથળીમાં પેક કરી ત્રણેયનું એક થેલીમાં પેકીંગ કરી આ પેકીંગ જલારામ જયંતિના દિવસે સ્થાનિક કેશોદમાં વસતા લગભગ દરેક પરિવારના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા અને સાથોસાથ એક છાપેલા પત્રમાં જણાવાયું હતુ કે આ પ્રસાદી પોતાના ઘરમાં જલારામ બાપાના ફોટા પાસે ધરી તેનું પૂજન કરી પરિવારના તમામ સભ્યોએ પ્રસાદી રૂપે લેવાની અને સૌથી વિશેષ અને આંખે ઉડીને વળગે તેવી નક્કર હકિકતએ હતી કે વિરપુર જલારામ મંદિરમાં જે રીતે કોઇ રકમ દાનમાં સ્વીકારતી નથી તેમ અહિ પણ આ કાર્યક્રમ નિમિતે કોઇ રઘુવંશી પરિવાર પાસેથી દાનપેટે એક રૂ. પણ લેવામાં આવ્યો ન હતો. જે આજ સુધીના કેશોદ રઘુવંશી સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું.

આ કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડવામાં સ્થાનિક લોહાણા સમાજના આશરે ૧૫૦ જેટલા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથો સાથ અન્ય સમાજના યુવાનોએ પણ પોતાના વાહનો સામેથી આપી અને એટલી જ સજ્જનતા અને લાગણી બતાવ્યા હતા. આ કાર્યક્રમનું આ પણ એક નોંધપાત્ર હકિકત જોવા મળી હતી.

દરમિયાન આ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ (૧) લોહાણા મહાજના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ગોવિંદભાઇ દેવાણી , (૨) લોહાણા મહાજનના પ્રમુખશ્રી મુકેશભાઇ હિંડોચા (૩) રઘુવીર સેનાના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઇ તન્ના (૪) જ્ઞાતિ અગ્રણી ડો. અજયભાઇ સાંગાણી તથા ગીરીશભાઇ ખોડાએ સંબંધકર્તા તમામને અભિનંદન આપી આ કાર્યક્રમની જેમ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં તમામ રીતે મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.

(11:31 am IST)