Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીના મકનસરમાં ફાકીના પૈસા મામલે થયેલા હુમલામાં ઘાયલ ગુલાબ શેખવાનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

૧૮મીએ સાંજે મોહન વઘોરા સહિતનાએ કરેલા હુમલામાં ગુલાબના ભાઇ જયેશ શેખવા અને મિત્ર સુનિલ પરમારને પણ ઇજા થઇ હતી : મૃતકના ભાઇએ કહ્યું-બે આરોપી પકડાયા, બાકીના તત્‍કાલ ન પકડાય તો મૃતદેહ પોલીસ સ્‍ટેશને લઇ જશું: ગુલાબની હત્‍યાથી ૧ાા વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી : હત્‍યાનો ભોગ બનનારના પિતા બસપાના પૂર્વ પ્રમુખ

ગુલાબ શેખવાએ રાજકોટ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો
રાજકોટ તા. ૨૩: મોરબીના મકનસરમાં પાંચ દિવસ પહેલા પ્રેમજીનગરમાં કરિયાણા અને પાન ફાકીની દૂકાન ધરાવતાં ગુલાબ વેલજીભાઇ શેખવા (ઉ.વ.૩૨) નામના ચમાર યુવાન પર ધોક-તલવાર-પાઇપથી હુમલો થયો હતો. જેમાં તેના ભાઇ જયેશ વેલજીભાઇ શેખવા અને જયેશના મિત્ર સુનિલ બાબુભાઇ પરમારને પણ ઇજા થતાં ત્રણેયને રાજકોટ ખસેડાયા હતાં. ફાકીના પૈસા મામલે આ હુમલો થયો હતો. સારવાર દરમિયાન ગુલાબે રાજકોટમાં દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે. મૃતકના ભાઇ ભાણજી વેલજીભાઇ શેખવાએ કહ્યું હતું કે આ ગુનામાં બે આરોપી પકડાઇ ગયા છે. બાકીના તત્‍કાલ નહિ પકડાય તો અમે રાજકોટથી મૃતદેહ લઇ મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશને પહોંચશું.
આ બનાવમાં પોલીસે મકનસર પ્રેમજીનગરમાં રહેતાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી હુમલો કરનારા ચુનીલાલ વઘોરા, કાંતાબેન ચુનિલાલ વઘોરા, સુરેશ ચુનિલાલ, રાકેશ ચુનીલાલ, મોહન રવજી વઘોરા અને હસુ મોહન વઘોરા સામે ગુનો નોંધ્‍યો હતો. વેલજીભાઇના પુત્ર ગુલાબની દૂકાનેથી એક આરોપી અગાઉ ફાકી લઇ ગયો હોઇ તેના પૈસા ગુલાબે માંગતા તલવાર, ધોકા, પાઇપથી હુમલો થયો હતો. જેમાં ગુલાબના ભાઇ જયેશ અને તેના મિત્ર સુનિલને પણ ઇજા થઇ હતી.
ગુલાબનું રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજતાં બનાવ ખૂનમાં પરિણમ્‍યો છે. હત્‍યાનો ભોગ બનનાર ગુલાબ બે બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજો હતો. તેના પત્‍નિનું નામ કાજલબેન છે. સંતાનમાં દોઢ વર્ષનો એક પુત્ર છે. માતાનું નામ હંસાબેન છે. તેના પિતા વેલજીભાઇ અગાઉ મોરબી જીલ્લા બસપાના પ્રમુખ પદે રહી ચુક્‍યા છે. ગુલાબના ભાઇએ જણાવ્‍યું હતું કે બે આરોપી મોહન અને હસુને પોલીસે પકડી લીધા છે. બાકીના તત્‍કાલ નહિ પકડાય તો અમે મૃતદેહ મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશને લઇ જઇશું.

 

(11:07 am IST)