Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શિયાળુ પાકનું ૩૯.૧૩% વાવેતર : સૌથી વધુ ઘઉં , ચણા, શેરડી, લસણ

રાજ્યમાં ગયા વર્ષે ૨૨ નવેમ્બર સુધીમાં ૧૭,૨૯,૨૨૯ હેકટરમાં રવિ પાકના બીજ રોપાયેલ, આ વર્ષે ૧૫,૧૪,૦૭૮ હેકટરમાં

રાજકોટ તા. ૨૩ : રાજ્યમાં રવિ (શિયાળુ) પાકના વાવેતરની મોસમ પુરબહારમાં ખીલી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં બધી ખેત ઉંપજોની મળીને સરેરાશ ૩૯.૧૩ ટકા વાવણી થઇ ગઇ છે. મોટાભાગના વિસ્તારોમાં પાછોતરા સારા વરસાદના કારણે શિયાળુ પાક માટે પાણીની સાનુકૂળતા છે. કોઇ અનિચ્છનીય કુદરતી કારણ ન સર્જાય તો ઉંનાળામાં શિયાળુ પાકથી બજારો ઉંભરાશે. ૨૦૨૦ના વર્ષમાં ૨૨ નવેમ્બરની સ્થિતિએ ૧૭,૨૯,૨૨૯ હેેકટરમાં રવિ પાકનું વાવેતર થયેલ. આ વર્ષે ૨૨ નવેમ્બર એટલે કે ગઇકાલની સ્થિતિએ ૧૫,૧૪,૦૭૮ હેકટરમાં વાવેતર થયાનું નોંધાયું છે. હજુ અમુક વિસ્તારોમાં વાવવાનું ચાલુ છે.
સૌરાષ્ટ્રમાં શિયાળામાં મુખ્યત્વે મગફળી અને ચણા વાવવામાં આવે છે. આખા રાજ્યનું વાવેતર જોતા ૨,૦૩,૪૩૬ હેકટરમાં ઘઉંંનું વાવેતર થયું છે. ચણા ૩,૮૫,૮૨૦ હેકટરમાં વાવવામાં આવ્યા છે. તે ૮૨.૭૭ ટકા થાય છે. અન્ય કઠોળનું ૯૪.૩૮ ટકા વાવેતર થયું છે. રાઇનું ૧૨૧.૩૩ ટકા વાવેતર થયું છે. તેલીબિયાના કુલ પાકોનું ૧૨૦.૧૬ ટકા વાવેતર છે. ડુંગળીનું ૬૯.૦૨ ટકા અને બટાટાનું ૪૯.૮૯ ટકા વાવેતર થયું છે. શેરડી ૫૧.૧૧ ટકામાં વાવવામાં આવી છે. જીરૂ ૬૩૧૪૪ હેકટરમાં રોપાયુ છે. તે ટકાવારીની દ્ષ્ટિએ ૧૪.૫૨ ટકા થાય છે.
સમગ્ર રાજ્યમાં ૫૪ હજાર હેકટરમાં શાકભાજી અને ૨,૦૭,૫૬૧ હેકટરમાં ઘાસચારો વાવવામાં આવ્યો છે. રાજ્યનું સરેરાશ વાવેતર ૩૯.૧૩ ટકા થયું છે. જુદા જુદા પાકોમાં હજુ વાવેતરના આંકડા વધવાની સંભાવના છે.

 

(11:43 am IST)