Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માળિયા (મી) ગ્રાહક ભંડારમાં ૨.૭૭ લાખનો જથ્થો સિઝ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૩: મોરબી જિલ્લામાં સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા બેફામ કાળા બજારી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો સામાન્ય બની છે ત્યારે આજે માળીયા મામલતદાર દ્વારા માળીયા ગ્રાહક સેવા કેન્દ્રમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાતા વધુ હાજર જથ્થો મળી આવતા રૂપિયા ૨ લાખ ૭૭ હજાર ૨૫૦નો જથ્થો સિઝ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

માળીયા મામલતદાર ડી.સી.પરમાર અને તેમની ટીમ દ્વારા આજે માળીયા શહેરમાં આવેલ માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની વ્યાજબી ભાવની દુકાનમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા અનેક ક્ષતિઓ વચ્ચે અનાજ, ચોખા સહિતનો હાજર જથ્થો વધુ મળી આવતા કુલ રૂપિયા ૨,૭૭,૫૨૦નો જથ્થો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને ગંભીર રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, માળીયાની જેમ જ મોરબી શહેરમાં પણ બેફામ કાળા બજારી વચ્ચે સસ્તા અનાજના વિક્રેતાઓ નેશનલ ફૂડ સિકયોરિટી હેઠળના અનાજનું મોટાપાયે ડાયવર્ઝન કરે છે છતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કે સિટી, તાલુકા મામલતદાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી ન હોય પુરવઠા વિભાગની મિલીભગત હોવાની છાપ ઉપસી છે. આ સંજોગોમાં તંત્ર માળીયા મામલતદારની જેમ તટસ્થ અને કડક કાર્યવાહી કરે તો જ ગરીબોના હિસ્સાનું અનાજ ગરીબો સુધી પહોંચી શકશે.

(11:49 am IST)