Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માંગરોળના કાલેજ ખાતે પાંચ ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૨૩ : માંગરોળ તાલુકાના કાલેજ ગામે પાંચ ગામનો સેવાસેતુ કાર્યક્રમ પશુ પાલન અને ગૌ સંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સરકારશ્રીની ૫૬ સેવાઓનો દ્યર આંગણે જ લાભ આપવામાં આવ્યો હતો.

સાતમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન માંગરોળ તાલુકાના કાલેજ  ખાતે કરવામાં આવ્યું હતું. જેમા કાલેજ, નગીચાણા, દરસાલી, કંકાણા અને દિવરાણા સહિત ૫ ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુનો પ્રારંભ પશુ પાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી દેવાભાઇ માલમે કરાવ્યો હતો. આ તકે મંત્રીશ્રી એ જણાવ્યું હતુ કે, સરકાર તમારા આંગણે આવી છે. દ્યર આંગણે વિવિધ ૫૬ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કોઇ વ્યકિતને આયુષ્યમાન કાર્ડની જરૂર પડે અને ટાંણે તે મેળવવા દોડે તેના કરતા પાણી પહેલા પાળ બંધાય તે માટે આરોગ્ય સેવાઓ મેળવવા  આયુષ્યમાન કાર્ડ કઢાવવું જરૂરી છે. જેના માટે સેવાસેતુનો લાભ લેવા જણાવ્યું હતુ.

આ સેવાસેતુમાં માંગરોળના પ્રાંત અધિકારીશ્રી દેવાંગ રાઠોડે સેવાસેતુની વિવિધ યોજનાના લાભ સાથે શ્રમ વીમા યોજના તેમજ યુવા મતદારોને મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ સેવાસેતુના કાર્યક્રમમાં દરમિયાન મંત્રીશ્રીએ ગામની ગૌશાળાની મુલાકાત લઇ ગૌ માતાનું પુજન કર્યુ  હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, ભાજપ તાલુકા પ્રમુખ દાનભાઇ બાલસ, જિલ્લા પંચાયતના સદસ્ય સોમાતભાઇ વાસણ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ અરજણભાઇ આત્રોલિયા, અગ્રણી જેઠાભાઇ ચુડાસમા,અરજણભાઇ પીઠીયા, ડોબરિયાભાઇ તથા પાંચ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમાં સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોશી તથા આભારવિધિ મામલતદાર એચ.કે.પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(12:36 pm IST)