Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરી તેમનું ઋણ ચૂકવવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવઃ ભાવનગર કલેકટર યોગેશ નિરગુડે

ભાવનગરના ઉમરાળા ખાતે કોરોના જાગૃતતા સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઃ ફિલ્ડ આઉટરીય બ્યુરો, જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાઓ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતું ફોટો પ્રદર્શન યોજાયું

 ભાવનગર,તા.૨૪: દેશના પ્રત્યેક યુવામાં રાષ્ટ્રપ્રેમ જાગૃત રહે તે માટે આપણે સૌએ આઝાદીની સંઘર્ષ ગાથાને હંમેશા યાદ રાખવી પડશે. આપણને આઝાદી અપાવનાર એ વીર સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરવાનો અને તેમનું ઋણ ચૂકવવાનો મહામૂલો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમને સંબોધતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ આ વાત કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં યુવાનો જોડાય તેવી વાત કરવાની સાથે કલેકટરશ્રીએ યુવાનોને કોરોના સંદર્ભે જાગૃતતા સંદેશ પણ પાઠવ્યો હતો સાથે જ દરેક યુવા વર્ગને અને કિશોરોને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો.

 કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા કલેકટર શ્રીયોગેશ નિરગુડે, ઉમરાળા મામલતદાર શ્રી એ પી અંટાળા,તાલુકા વિકાસ અધિકારી શ્રી એચ જી પટેલ,ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીધર્મેન્દ્રભાઇ  લખાણી,સર્વોદય કેળવણી મંડળ મંત્રી શ્રીજીતેન્દ્રસિંહ વાળા,ઉમરાળા સરપંચ  શ્રીધર્મેન્દ્રભાઈ કે હેજમ પી એમ સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળાનાં આચાર્ય ડો.રામદેવસિંહ બી ગોહિલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના સ્થાનિક આગેવાનો સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ આઝાદીની જુદીજુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, ૭૫ વર્ષે વિચારો, ૭૫ વર્ષે સિદ્ધિઓ, ૭૫ વર્ષે કાર્યો અને ૭૫ વર્ષે આપણા સંકલ્પો એ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું.

સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે પી એમ સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળા ખાતે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન,  કોવિડ૧૯ જાગૃતતા અભિયાન, કોવિડ૧૯ રસીકરણ અભિયાન જેવાં અભિયાનમાં જન જાગૃતતા લાવવના પ્રયાસો કરવામાં આવ્યાં તેમજ સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે  જાણકારી આપી લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરૃંપાડવામાં આવ્યું.

કોરોના માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીથી બચવાનાં અને તેનાથી સુરક્ષિત રહેવાંનાં ઉપાયો સૂચવ્યા હતા અને તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે દેશમાં શરૂ થયેલા ૧૫થી ૧૮ વર્ષના કિશોરોનાં રસીકરણ કાર્યક્રમ તેમજ બુસ્ટર ડોઝ વિશે પણ જાણકારી પૂરી પાડી સૌને રસી લેવા માટે  અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિચાર પ્રસ્તુતિકરણ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાખેલ રસીકરણ કેમ્પમાં મોટાઓને બુસ્ટર ડોઝ તેમજ કિશોરોને રસી રસી આપવામાં આવી હતી.

(11:04 am IST)