Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ફરી ટાઢોડુ છવાયુઃ ગિરનાર ૩.ર, ગાંધીનગર ૪.૩, નલીયા ૪.૬ ડીગ્રી

રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યો ૯.૭ ડીગ્રીઃ ૭ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ રવિવારથી ઠંડીમાં વધારો થયો છે. જે આજે પણ યથાવત છે આજે સર્વત્ર ટાઢોડુ છવાઇ ગયુ છે અને ગિરનાર પર્વત ઉપર ૩.ર ડીગ્રી, ગાંધીનગર ૪.૩, નલીયામાં  ૪.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યો છે અને ૯.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. આજે ૭ શહેરોમાં લઘુતામ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે નોંધાયુ છે.
આજથી ઠંડીનો નવો રાઉન્‍ડ શરૂ થયો છે. જે ત્રણ દિવસ સુધી જળવાઇ રહેશે. લઘુતમ તાપમાન ર થી ૪ ડીગ્રી નીચે ગયુ  છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્‍યાનુસાર સૌરાષ્‍ટ્રમાં રાજકોટ, પોરબંદર, સુરેન્‍દ્રનગર અને જુનાગઢમાં ઠંડીનું પ્રમાણ વધ્‍યુ છે. હિમવર્ષાને કારણે ઠંડીનો  નવો રાઉન્‍ડ શરૂ થયો છે.
રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન ૧ર.૭ ડીગ્રી નોંધાયું હતું. જે શનિવાર કમરતા ૮ ડીગ્રી નીચે ગયું હતું. જેને કારણે ઠંડીનો અહેસાસ થયો હતો. આ જ સમયે પવન ૧૯ કિલો મીટરની ઝડપે ફુંકાયો હતો. લઘુતમની સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું થયુ હતું. રવિવારે મહત્તમ તાપમાન ર૩.૪ ડીગ્રી  હતું. સાંજના સમયે ૮ કિલો મીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
માવઠાંનાં કારણે ફરી ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ઠંડીથી બચવા લોકોએ સ્‍વેટર અને મફલરનો સહારો લીધો હતો. જે લોકો નાઇટ શિફટમાં કામ કરી રહ્યાં છે તે લોકોએ તાપણાં કરી ઠંડીથી રાહત મેળવી હતી. મોર્નિંગ વોક  કરનારાઓએ પણ ઠંડીના આહલાદક વાતાવરણનો આનંદ માણ્‍યો હતો. આકરી  ઠંડીનાં કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળયું હતું.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢ : સોરઠમાં આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન ઠુંઠવાય ગયુ હતું જુનાગઢના ગીરનાર પર્વત ખાતે ૩.ર ડીગ્રી તાપમાન થઇ જતા પર્વતીય વિસ્‍તાર કાશ્‍મીરમાં ફેરવાય ગયો હતો.
રવિવારે જુનાગઢનું તાપમાન ૧ર.પ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ૪.૩ ડીગ્રી નીચે ઉતરીને ૮.ર ડીગ્રીએ સ્‍થિર થતાં જૂનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં ઠંડીથી બોકાસો બોલી ગયો હતો.
અત્રેનાં ગીરનાર પર્વત પર ૩.ર ડીગ્રી રહેતા ગીરનાર ખાતેની ધાર્મિક જગ્‍યાઓ, મંદિરમાં સંતો-સેવકો અને પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાય ગયા હતાં.
આજે તીવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા અને ૪.પ કી. મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ વધુ બર્ફીલુ થઇ ગયુ હતું.

હવામાન વિભાગની ૩ દિવસ કોલ્‍ડ વેવની આગાહી
રાજકોટ : કચ્‍છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્‍દ્રનગર, જુનાગઢ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં ર૪ થી ર૬ જાન્‍યુઆરી સુધી કોલ્‍ડવેવ રહેશે.
તકેદારી રાખવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે.

કયાં કેટલી ઠંડી
શહેર        લઘુતમ તાપમાન
નલીયા        ૪.૬ ડીગ્રી
ગિરનાર પર્વત    ૩.ર ડીગ્રી
ગાંધીનગર    ૪.૩ ડીગ્રી
અમદાવાદ    ૬.૭ ડીગ્રી
વડોદરા    ૮.૪ ડીગ્રી
જુનાગઢ    ૮.ર ડીગ્રી
ભાવનગર    ૧૦.૪ ડીગ્રી
ભુજ        ૧ર.૬ ડીગ્રી
ડીસા        ૮.૦ ડીગ્રી
દિવ        ૧૦.૮ ડીગ્રી
દ્વારકા        ૧પ.૦ ડીગ્રી
કંડલા        ૧૧.૬ ડીગ્રી
ઓખા        ૧૬.૮ ડીગ્રી
પોરબંદર    ૧૧.૧ ડીગ્રી
રાજકોટ    ૯.૭ ડીગ્રી
સુરત        ૧૦.ર ડીગ્રી
વેરાવળ    ૧૩.ર ડીગ્રી

 

(11:35 am IST)