Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પાકિસ્તાનની જેલમાંથી મુકત ર૦ માછીમારો સાંજ સુધીમાં વાઘા બોર્ડર પહોંચશે

પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને છોડી મુકાયા તે તસ્વીરો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. ભારતીય જળ સીમાએ ફિશીંગ કરતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સીકયુરીટીઝે પકડી લીધા બાદ કરાંચી જેલમાં બંદિવાન ભારતીય માછીમારોમાંથી ર૦ ભારતીય માછીમારોની સજા પુરી થતાં તેઓને આજે પાકિસ્તાનથી છોડી મુકવામાં આવ્યા છે.

આ મુકત કરાયેલા ભારતીય માછીમારો આજે સાંજ સુધી વાઘા બોર્ડર પહોંચી જશે.

પાકિસ્તાની જેલમાંથી મુકત કરાયેલા ર૦ ભારતીય માછીમારો આજ સાંજ સુધીમાં વાઘા બોર્ડર પહોંચ્યા બાદ તેઓની ભારતીય સુરક્ષા એજન્સીઓ પુછપરછ અને ખરાઇ કર્યા બાદ વાઘા બોર્ડરથી ર૦ માછીમારોને તેમના વતન મોકલવા વ્યવસ્થા કરાશે. મુકત કરાયેલા ર૦ ભારતીય માછીમારોમાં મોટાભાગના સૌરાષ્ટ્રના છે.

ઉલ્લેખનીય છે કે જખૌ આંતરરાષ્ટ્રીય જળસીમાએ પાકિસ્તાન મરીન સીકયુરીટીઝ અવારનવાર ભારતીય માછીમારોના અપહરણ કરી જાય છે અને માછીમારોની સજા પુર્ણ છતાં તેમને છોડી મુકાય છે. પરંતુ તેમની કિંમતી બોટ પરત અપાતી નથી.

પાકિસ્તાન જેલમાંથી છોડી મુકાયેલા ર૦ માછીમારો  કરાંચીની મલીર જેલમાં કેદ હતા અને તેઓની સજા પુરી થતા કેદ મુકત થતા ગઇકાલે રવિવારે સવારે તેઓને એથી ફાઉન્ડેશનની બસ દ્વારા લાહોર પહોંચાડાયા હતા અને ત્યાંથી આજે તેઓ ભારત-પાકિસ્તાની સરહદે પહોંચનાર છે જેઓ સંભવત ર૭ મીએ વેરાવળ પહોંચનાર છે.

(12:56 pm IST)