Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

માનવ અને વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ નિવારવા દિપડાને લગાવેલ રેડિયો કોલર મદદરૂપ થશે

સાસણગીરના વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષણ ડો. મોહન રામની આગેવાનીમાં સિંહ બાદ હવે દિપડાને રેડિયો કોલર લગાવીને જંગલમાં મુકત કરાયા

જૂનાગઢ,તા. ૨૪: વન્યપ્રાણી વિભાગ સાસણગીર દ્વારા એક પ્રોજેકટ અંતર્ગત બે દિપડાઓને  રેડિયો કોલર પહેરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  અને આ રેડિયો કોલરવાળા દિપડાને  જંગલમાં મુકત કરાયા છે. આ પ્રોજેકટ અંતર્ગત કુલ પાંચ દીપડાઓને રેડિયો કોલર પહેરાવવામાં આવશે. સિંહ બાદ હવે દિપડાને રેડિયો કોલર પહેરાવતા તેમના રહેણાંક,ખોરાક સહિતની બાબતો પર પૂરતું ધ્યાન રહેશે.

સાસણ ગીર વન્ય પ્રાણી વિભાગ દ્વારા એક પ્રોજેકટ અંતર્ગત સિંહ બાદ હવે કુલ પાંચ દીપડાઓને  રેડિયો કોલર પહેરાવાશે.  બે દિપડાને રેડિયો કોલર પહેરાવી પરત જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલા આ પ્રોજેકટના હેતુ અનુસાર રેડિયો-ટેલી મેટ્રિ દ્વારા દીપડાઓની અવરજવર પર ઝીણવટભર્યું નિરીક્ષણ રાખવામાં આવશે. રેડીયો ટેલી મેટ્રિ દ્વારા સામાન્ય રીતે મુશ્કેલીથી જોવા મળતા આ પ્રાણીની વિવિધ વર્તણુક જેવી કે તેની અવરજવર, પસંદગીના વસવાટના સ્થળ, વધુ પ્રવૃત્ત્। રહેવાનો સમયગાળો વગેરે જેવી બાબતોની વૈજ્ઞાનિક માહિતી એકત્રિત થઈ શકશે.તેમ સાસણ વન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ જણાવ્યુ છે.

 આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આ પ્રાણી બાબતની મહત્વની માહિતી હવે પ્રાપ્ત થઇ શકશે. આ કાર્ય અંતર્ગત પ્રાપ્ત થતી  વૈજ્ઞાનિક માહિતી ભવિષ્યમાં માનવ અને વન્ય જીવ વચ્ચેનું દ્યર્ષણ નિવારવામાં મદદરૂપ થઈ શકે છે.

આ કામગીરીમાં  અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી શ્યામલ ટીકાદર, મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના ડી.ટી.વસાવડા, સાસણ વન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ ના માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં અનુભવી વન્યજીવ પશુચિકિત્સક ડો. જે. પી. દેસાઈ, ડો. ડી. આર. કમાણી અને ડો. દિગ્વીજય રામ અને સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કામગીરી દરમિયાન વૈજ્ઞાનિક માહિતીના એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્ય જીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા કરશન વાળા અને લહર એસ. ઝાલા, સાયન્ટીફીક  આસીસ્ટન્સ  દ્વારા કરવામાં આવી હતી.

(10:17 am IST)