Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પાટ ખીલોરી ગામે વીજતંત્રની બેદરકારીથી ખેડૂતોનો ડુંગળીનો મેળો બળીને ખાખ

ગોંડલ,તા.૨૪: કોઈ મોટા અકસ્માત બાદ જ વીજતંત્ર દોડતું થતું હોવાનું જીવતું જાગતું ઉદાહરણ ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે પુરુ પાડ્યું છે વીજ તાર ઢીલા થઈ ગયા હોવાની અનેકવાર રજૂઆત બાદ પણ નિંભર તંત્ર ન જગતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ખેડૂતનો ડુંગળીનો મેળો, ટપક લાઈન, ડીઝલ એન્જિન સહિતની સાધનસામગ્રી બળીને ખાખ થઈ જવા પામી હતી.

વિગતો મુજબ ખેત કામ કરી ઘર ગુજરાન ચલાવતા ચંદુભાઈ મોહનભાઈ ભાલાળા નો ડુંગળીનો મેળો આગમાં ભસ્મીભૂત થઇ જવા પામ્યો છે મેળામાં રાખવામાં આવેલ ડુંગળીનો થોડો જથ્થો, વિસ વીદ્યામાં પથરાય એટલી ટપકની પાણીની લાઈન, ડીઝલ એન્જિન સહિતની સાધનસામગ્રી બળીને ખાખ થઇ ગઇ છે તેમજ એક વાછરડી ગંભીર રીતે દાઝી જવા પામી છે ઘટનાની જાણ થતા ગામના સરપંચ હંસાબેન લુણાગરિયા સહિતના ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા જાત મહેનત જિંદાબાદ કરી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બનાવ અંગે જગદીશભાઈ લુણાગરિયા એ જણાવ્યું હતું કે વીજ તંત્રને અનેકવાર ઢીલા તાર અંગે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યુ નથી વારંવાર ભારે પવનના કારણે ઢીલા થયેલા તાર પરસ્પર અડતા હોય તણખા ઓ ઝરવાથી આગના બનાવો બની રહ્યા છે આગની ઘટનામાં ખેડૂતને અંદાજે ત્રણ લાખથી પણ વધુ રૂપિયાનું નુકસાન થયું છે.

(11:51 am IST)