Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગીર-સોમનાથના આંગણે રાજ્ય ખેલમહાકુંભ હેઠળ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ

૬ દિવસ ચાલનારી સ્પર્ધામાં ૧૫૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે, પ્રથમ દિવસે ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો:યોગ માનસિક અને શારીરિક શક્તિઓના ઉત્કર્ષ માટે અસરકારક - જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી,રામી બેન વાજા

પ્રભાસ પાટણ: ગુજરાત સરકારશ્રીના ૨મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ગીર સોમનાથ જિલ્લા અમલીકરણ સમિતિ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથના ઉપક્રમે જિલ્લાના વડામથક વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામી બેન વાજા દ્વારા દીપ પ્રાગ્ટય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે યોગસાધકો પ્રતીક મેવાડા અને મુકેશ પુરોહિત દ્વારા યોગ કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  આ તકે શ્રીમતી રમીબેન વાજા દ્વારા ઉપસ્થિત સર્વેને સંબોધતા યોગને માનવ જીવનના માનસિક અને શારીરિક ઉત્થાનનો ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો. બાળકો માટે યોગ માનસિક અને શારીરિક શક્તિઓના ઉત્કર્ષ માટે અસરકારક હોય યુવા પેઢીને પહેલાથી જ યોગનું જ્ઞાન આપવું જરૂરી છે તેમ પ્રમુખએ ઉમેર્યું હતું.

  આ તકે વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ બાળકોને એકાગ્રતા વધારવા માટે માતાપિતા દ્વારા યોગ કરવા પ્રેરિત કરવા સૂચન કર્યું હતું. આ સાથે જ તમામ લોકોએ યોગને અપનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.

 રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા તા.૨૩ મે થી લઈને તા.૨૯ મે સુધી ચાલશે જેમાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૫૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈને પોતાની યોગ કલાની પ્રસ્તુતિ કરશે. રાજ્ય સરકાર દ્વારા અંડર-૧૪, અંડર-૧૭, ઓપન, અબોવ -૧૪, અને અબોવ-૬૦ કેટેગરી હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી  ઓફ ગુજરાત દ્વારા નિયત કરાયેલ નોડલ અધિકારી અને યોગ નિષ્ણાતોની પેનલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરવામાં આવશે. વિજેતાઓ માટે મેડલ, પ્રમાણપત્ર,રોકડ પુરસ્કાર,આપવામાં આવશે.

  રાજ્ય ભરમાંથી આવેલ સ્પર્ધકો, કોચ, અને સપોર્ટ સ્ટાફ માટે સરકાર દ્વારા યોગ્ય રહેઠાણ, પોષણયુક્ત આહારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

  આ તકે યોગ એશોશીએશનના એન.કે.જાડેજા,ઉમંગ ડોન, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ  અર્જુનસિંહ પરમાર, બી.સી.સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા, રાજ્ય કક્ષાના યોગ હેડકોચ અને નોડલ અધિકારી સંદિપ શેઠ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

(11:55 pm IST)