Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

કચ્છના અખાતમાં યુદ્ધ જહાજ "જલાશ્વ" સાથે આર્મી, એરફોર્સ, નેવીની સયુંકત કવાયતથી દેશની પશ્ચિમી દરિયાઈ સરહદે ધમધમાટ

લશ્કરી સરંજામ સાથેના ૯ હેલિકોપ્ટર ઉતરી શકે એટલું વિશાળ તૂતક, ૧૫૦૦ જેટલા સૈનિકોની હેરફેર માટે સક્ષમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪

આપણાં દેશને પાકિસ્તાન સાથે જોડતી ગુજરાતના કચ્છ જિલ્લાની દરિયાઈ સરહદ યુદ્ધ જહાજ સાથે લશ્કરની ત્રણેય પાંખોની સયુંકત કવાયત સાથે ગાજી ઉઠી હતી. દેશની પશ્ચિમી સરહદે અરબી સમુદ્રમાં કચ્છના અખાતમાં ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ "જલાશ્વ"એ લશ્કરી કવાયત હાથ ધરી હતી. જેમાં નેવી ઉપરાંત આર્મી અને એરફોર્સ પણ જોડાયા હતા. ભારતીય નૌકાદળની શાન સમા આઈએનએસ "જલાશ્વ" માં ૧૫૦૦ જેટલા સૈનિકોનો સમાવેશ થઈ શકે છે. યુદ્ધની સ્થિતિમાં મોટી સંખ્યામાં સૈનિકો સાથે યુદ્ધ ટેન્કોની હેરફેર માટે આ યુદ્ધ જહાજ સક્ષમ છે. તો, આ યુદ્ધ જહાજ અદ્યતન એવા એસએચ-૩ સી કિંગ હેલિકોપ્ટર સાથે સજજ છે. જે યુદ્ધની સ્થિતિમાં મદદરૂપ બની શકે છે. એક સાથે આવા ૯ હેલિકોપ્ટર ઉતરી શકે એટલું વિશાળ આ યુદ્ધ જહાજ છે. કચ્છના અખાતમાં લશ્કરી કવાયત દરમ્યાન આ યુદ્ધ જહાજ અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ દેશ માટે કંડલા અને મુન્દ્રા બે મોટા પોર્ટ ધરાવતી કચ્છની દરિયાઈ સીમા ખૂબ જ સંવેદનશીલ છે. તો, કચ્છના જખૌ બંદર નજીક જ ઇન્ટરનેશનલ મરીન બોર્ડર (આઈએમબી) આવેલી છે. જ્યાં સામે પારથી પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમા માં ઘૂસણખોરી કરતાં રહે છે. આ ઉપરાંત સિરક્રીક સરહદ પણ સંવેદનશીલ છે.

(10:17 am IST)