Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડનો ત્રણ માળનો ફલેટ ધરાશાયી

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૪ : ભાવનગરશહેરમાં આનંદ નગર વિસ્‍તારમાં આવેલ હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું બિલ્‍ડિંગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્‍યે કોઈ જાનહાની થવા પામી નથી.

મળતી વિગતો મુજબ શહેરના આનંદનગર વિસ્‍તારમાં આવેલા જૈન દેરાસર પાસે હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું બિલ્‍ડિંગ ગઇરાત્રે ધરાશાયી થયું છે. શહેરના આનંદનગર વિસ્‍તારમાં સરકારી વસાહત એકતાનગર ત્રણ માળીયા ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલ છે . તેમાં બ્‍લોક નં.૧ માં રાત્રે ૧૧ વાગે ફલેટનો એક ભાગ ધડાકાભેર નીચે ધસી પડ્‍યો હતો. આ ફલેટ જર્જરિત હોવાથી મોટાભાગના લોકો ફલેટ ખાલી કરી ચાલ્‍યા ગયા છે પણ ત્રણ પરિવારો આ ફલેટમાં રહેતા હતા. મકાન તૂટવાનો અવાજ આવતા આ લોકો ઘરની બહાર ભૂકંપ આવ્‍યો તેવી આશંકાથી દોડી ગયા હતા અને ૧૫ મિનીટ બાદ સમગ્ર ફલેટ ધડાકા સાથે તૂટી પડ્‍યો હતો. બ્‍લોક નં .૧૨ ની એક વીંગ પડી ગઈ હતી.

આ વીંગમાં એક ફલેટ ખાલી હતો જયારે બે ફલેટમાં પંજાબી અને ઉત્તરપ્રદેશના લોકો રહેતા હતા. ભારે અવાજ સાંભળી આ વિસ્‍તારમાં રહેતા સામાજિક કાર્યકર ભીખાજી રાઠોડ અને અન્‍ય લોકો સ્‍થળ પર ધસી ગયા હતા. બનાવની જાણ થતા સ્‍ટાફ દોડી આવ્‍યો હતો.

બનાવમાં ઘરવખરીનો તમામ સામાન કાટમાળમાં દટાયો હતો. બનાવથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આજુબાજુ વિસ્‍તારના લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા.

(11:25 am IST)