Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબીમાં ૨૭મીએ ૩૦થી વધુ લોકો બૌધ્‍ધ ધર્મ અંગીકાર કરશે

અમ્રાટ અશોક વિહાર બૌધ્‍ધ વિહાર દ્વારા ધમ્‍મ દીક્ષા મહોત્‍સવનું આયોજન : રોહિદાસપરામાં ધમ્‍મયાત્રા નીકળશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબીમાં સમ્રાટ અશોક વિહાર બૌદ્ધ વિહાર દ્વારા ધમ્‍મ દીક્ષા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૩૦થી વધુ લોકો કલેકટરની મંજૂરી સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે. જો કે રોહિદાસપરામાં ધમ્‍મ દીક્ષા પહેલા ધમ્‍મ યાત્રા નીકળશે.

સમ્રાટ અશોક વિહાર બૌદ્ધ વિહાર મોરબી જિલ્લા દ્વારા આગામી ૨૭ મેના રોજ મોરબીના રોહિદાસપરા અંદર આવેલ સમ્રાટ અશોક વિહાર બૌદ્ધ વિહાર વિજયનગર ખાતે બૌદ્ધ ધર્મના અંગીકાર માટે વિધીવત ધમ્‍મ દીક્ષા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકરના બૌદ્ધ ધર્મ પ્રત્‍યેના વિચારોથી પ્રભાવિત થઈને મોરબીના ૩૦થી વધુ લોકો કલેકટરની મંજૂરી લઈને બૌદ્ધ ધર્મ અપનાવશે. આ લોકોના બૌદ્ધ ધર્મના અંગીકાર પહેલા એટલે કે તા.૨૭ને શુક્રવારે સવારે ૮ વાગ્‍યે આંબેડકર ચોક રોહિદાસપરાથી સમ્રાટ અશોક વિહાર બૌદ્ધ વિહાર વિજયનગર સુધી ધમ્‍મયાત્રા નીકળશે.

બાદમાં આજ દિવસે ૯ વાગ્‍યે અશોક વિહાર બૌદ્ધ વિહાર વિજયનગર ખાતે વીધીવત ધમ્‍મ દીક્ષા મહોત્‍સવ યોજાશે.જેમાં ધમ્‍મ દીક્ષા દાયક ઘી ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર-પોરબંદરના ભીખ્‍ખું પ્રજ્ઞારત્‍ન થેરો અને ધમ્‍મ દેશના ભીખ્‍ખું સારીપૂત (અમદાવાદ બૌદ્ધ વિહાર)ની હાજરીમાં બૌદ્ધ ધર્મનો દીક્ષા મહોત્‍સવ યોજાશે.

(11:27 am IST)