Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આજે પણ જોરદાર પવન અને વાદળછાંયુ વાતાવરણ યથાવત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં ઘટાડો યથાવતઃ મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર જોરદાર પવન અને વાદળછાંયુ વાતાવરણ આજે પણ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે ગરમીમાં ઘટાડો યથાવત છે અને મિશ્ર વાતાવરણનો માહોલ છે.સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાની ગતિવિધી શરૂ થઇ ગઇ હોય તેમ વહેલી સવારે કાળાડિબાંગ વાદળોની જમાવટ શરૂ થઇ છ.ે

છેલ્લા બે દિવસથી પવનનું જોર વધતાં ગરમીનો પારો ઠંડો પડયો છે જો કે, ઉકળાટ અને બફારાના કારણે નગરજનો ત્રસ્‍ત બન્‍યા છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની અંદર પહોંચી ગયો હતો. વહેલી સવારે અચાનક ભેજનું પ્રમાણ વધી જવા પામ્‍યુ છે સાથો સાથ કાળાડિબાંગ વાદળોની હડિયાપટ્ટી શરૂ થતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસુ ઢુકડું હોવાના સ્‍પષ્‍ટ સંકેત મળી રહ્યા છે.

અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વસલાડ, પાટણ, જેતપુર, રાજકોટનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો વાપીમાં વરસાદી છાંટા પડયા હતા બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો છે. જિલ્લાના સરહદીય વિસ્‍તાર વાવ, થરાદ, સુઇગામ, ભાભર, ધાનેરા સહિતના વિસ્‍તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે.

મોરબી

(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી  :ગુજરાત રાજ્‍યમાં છેલ્લા દિવસોમાં હવામાન વિભાગમાં પલટો જોવા મળી રહ્યો છે જેની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના પગલે મોરબી જીલ્લામાં પણ હવામાનમાં પલટો અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્‍તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી

મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો આવ્‍યા બાદ ભારે પવન ફૂંકાઈ રહયો છે ખાસ કરીને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર સહિતના દરિયાઈ વિસ્‍તારમાં ભારે પવનને પગલે ધૂળની ડમરી ઉડી રહી છે જેથી નવલખી બંદર ખાતે પણ કામકાજ  પ્રભાવિત થવા પામ્‍યું છે જોકે હાલ કોઈ નુકશાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

નવલખી બંદર

(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી  : ઉત્તર ભારતમાં વાવાઝોડાની શકયતા વચ્‍ચે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્‍યારે આજે મોરબી જિલ્લામાં ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા નવલખી બંદરે ગતિવિધિ અટકાવી દેવામાં આવી છે અને દરિયામાં રહેલા બાર્જને કિનારે બોલાવી લેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે.

રાજ્‍યમાં વૈશાખી વાયરા ફૂંકાવાની સાથે હવામાનમાં આવેલા પલટા બાદ આજે પવનની ગતિમાં અસામાન્‍ય વધારો જોવા મળ્‍યો છે. ખાસ કરીને મોરબી જિલ્લાની દરિયાઈ પટ્ટી વિસ્‍તારના ગામોમાં આંધી જેવી ડમરી ચડતા ધૂળનો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ભારે પવનને કારણે મોરબીના નવલખી બંદર ઉપર દરિયામાં સ્‍ટીમરમાંથી કોલસાનું પરિવહન અટકાવી દેવામાં આવ્‍યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં રફ વાતાવરણને કારણે ખાનગી કંપનીનું બાર્જ ડૂબી જવાની ઘટના બાદ આજે અંદાજે ૪૦થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નવલખી બંદર ખાતે દરિયામાં જહાજમાંથી કોલસો પરિવહન કરતા અંદાજે ૨૦થી ૨૨ જેટલા બાર્જને કિનારા ઉપર લાવી દેવામાં આવ્‍યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૮ મહતમ , ૨૯.૨ લઘુતમ, ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

(11:51 am IST)