Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દુધરેજ વડવાળા મંદિરના સંત જીણારામજીબાપુનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો

લૂંટના ઇરાદે હુમલો કરતા ગંભીર ઇજા સાથે સારવારમાં હતા : આરોપી લાલો ભરવાડની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : દુધરેજ વડવાળા મંદિરના સંત ઝીણારામજી સાડા છ મહિના પહેલા દુધરેજ મંદિરની વાડીએ જતા હતા ત્યારે અજાણ્યા શખ્સે હુમલો કરી માથામાં ગંભીર ઈજા કરતા તેઓ કોમામાં સરી પડયા હતા. લાંબી સારવાર બાદ ગઈકાલે બુધવારે તેમનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે.

પોલીસે આ ગુન્હામાં લાલો ઉર્ફે લાલાભાઈ ગાંડાભાઈ ગોલતર (ભરવાડ) નામના રીઢા શખ્સની ધરપકડ કરેલ હોવાનું જાણવા મળે છે પોલીસે જે તે વખતે ઈપીકો ૩૦૭,જી.પી.એકટ મુજબ ગુનો દાખલ કરેલ હતો. હવે આમા ખુનની કલમ ૩૦૨ ઉમેરવામાં આવશે તેમ જાણવા મળે છે.

જાણવા મળતી વિગત મુજબ શ્રી ઝીણારામદાસ મહારાજને હુમલામાં માથામાં ગંભીર ઈજા થતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને સુરેન્દ્રનગરની પ્રમુખ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા હતા. તેમના નિધનથી મંદીરના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાવા પામેલ હતી.

દરમ્યાન એલ.સી.બી પી.આઈ. ડી.એમ.ઢોલ, પી.એસ.આઈ વી.આર. જાડેજા તથા ટીમે છેલ્લા એક વર્ષમાં લૂંટના ઈરાદે થયેલ ત્રણ જેટલા ગુનાની તપાસ હાથ ધરી હતી જેમાં સીસી ટીવી ફુટેજના આધારે લાલો ઉર્ફે લાલાભાઈ ગાંડાભાઈ ગોલતર (ભરવાડ) રે. સિંધવનગર, સુરેન્દ્રનગર અટક કરીને પુછપરછ કરતા તેણે વડનગરના જ સંદીપ ઉર્ફે ડાઘો શંકરભાઈ સિંધવ સાથે મળીને ઝીણારામજી મહારાજ, ઉપરાંત સબળસિંહ સુરૂભા રાણા અને મુન્નાભાઈ ઉર્ફે ધરેન્દ્રસિંહ ઉપર લુંટના ઈરાદે હુમલો કર્યાની કબુલાત કરી હતી.

આ શખ્સ લાલો ભરવાડ રીઢો ગુનેગાર હોવાનું અને સાત જેટલા ગુના આચર્યા હોવાનું પણ જાણવા મળે છે.

(10:43 am IST)