Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હળવદનાં સુખપરમાં ૬ તોલા સોનુ અને ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી

હળવદમાં તસ્કરો અનલોકઃ ઉપરા-છાપરી ચોરીના બનાવોથી પ્રજા ચિંતિતઃ મોબાઈલની દુકાનમાં ખાતર પાડયા બાદ તસ્કરો સુખપર ગામમાંથી મોટો દલ્લો ઉસેડી ગયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૪: તાલુકામાં તસ્કરો અનલોક થયા હોય તેમ બે દિવસમાં ચોરીના બે બનાવને અંજામ આપી તગડો હાથ ફેરો કરી લીધો છે. જો કે નવાઇની વાતતો એ છે કે આ બન્ને બનાવમાં હજુ સુધી પોલીસ દ્વારા માત્ર અરજી જ લેવાઈ છે તસ્કરો વિરુદ્ઘ એફઆઈઆર નોંધવા માં સમય લગાડી રહ્યા નું પણ ચર્ચાઈ રહ્યું છે. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

હળવદમાં તસ્કરો સક્રિય બન્યા છે. જેની સામે પોલીસ સતત નિષ્ક્રિય રહેતી હોય તેવું વાતાવરણ સર્જાયું હોવા ના કારણે છેલ્લા એકાદ મહિનામાં જ ચારથી વધુ ચોરીના બનાવો સામે આવ્યા છે. જેમાં હજુ એક પણ ચોરને પકડવામાં હળવદ પોલીસને સફળતા મળી નથી. શહેરના જાનિફળી વિસ્તારમાં બંધ રહેણાક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યા બાદ મેઈન બજારમાં પણ દુકાન તોડી તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. બસ સ્ટેશન રોડ પર આવેલ જય મોગલ નામની મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિરાંતે ચોરી કરી દોઢ લાખથી વધુના મોબાઇલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે  ચોરી કરી ને ચોર તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તાલુકાના સુખપર ગામે રહેતા બનાભાઈ ઠાકોરના ભાઈ કે જેઓ હાલ સુરત રહેતા હોય અને જેઓનો સરસામાન તેમના ભાઈના દ્યરે રાખેલ હોય જેથી ગત રાત્રીના મકાનની પાછળની બારી તોડી અંદર તસ્કરોએ પ્રવેશ કરી સોનાનો હાર, પાનબુટ્ટી, વિટીઓ, ઓમ સહિત છ તોલા જેટલું સોનું અને ૨૫૦ ગ્રામના વિવિધ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની બનાભાઈએ લેખીતમાં હળવદ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

જોકે અહીં નવાઈની વાત એ છે કે, પોલીસ આરોપીઓ વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી કરવાને બદલે માત્ર અરજી લઇ સંતોષ માની લે છે. જેના કારણે તસ્કરોની હિંમતમાં બેવડો વધારો થાય છે ! હળવદમાં તસ્કરોની સક્રિયતાને પગલે લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.(૨૩.૬)

 

લોકોના દિલ જીતનાર કચ્છના ડે.કલે. મનીષ ગુરવાણીને દબદબાભેર વિદાયમાન

આઈએએસનું પ્રોબેશન પૂર્ણ કરી વલસાડના ડીડીઓ બન્યા, કર્મચારીઓએ પણ ફૂલડે વધાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૩ :  સરકારી અધિકારીઓ માટે લોકોનો અનુભવ મોટે ભાગે કડવો હોય છે. જોકે, એ જ સરકારી અધિકારી જયારે લોકભોગ્ય કામગીરી કરે ત્યારે લોકો એને પ્રેમપૂર્વક પોતાના હૃદયમાં સ્થાન આપે છે. જોકે, લોકોના હૃદયમાં સ્થાન મેળવવું અદ્યરું છે. પરંતુ કચ્છમાં ડેપ્યુટી કલેકટર તરીકે પ્રોબેશન પીરીયડ માં કાર્યભાર સંભાળનાર આઈએએસ અધિકારી મનીષ ગુરવાણીએ પોતાની કર્મનિષ્ઠ કામગીરી સાથે સરકારી કર્મચારીઓ તેમ જ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આજે તેમણે જયારે તેમનો ચાર્જ છોડ્યો ત્યારે ભુજની કલેકટર કચેરી મધ્યે તેમને સન્માનસહ ફૂલડે વધાવીને દબદબાભેર વિદાય અપાઈ હતી. મોટેભાગે આઈએએસ અધિકારી મીટીંગો સિવાય પોતાની ચેમ્બર છોડી બહાર નીકળતા હોતા નથી.

પરંતુ મનીષ ગુરવાણી અપવાદ  રહ્યા અને તેમણે લોકોની વચ્ચે રહીને કામગીરી કરી. કોરોના કાળમાં તેમણે ખડેપગે કામગીરી કરી. આ સમય દરમ્યાન સફેદરણમાં યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો સફળતા સાથે પાર પડ્યા. લોકોના કામ માટે હકારત્મક અભિગમ દાખવી તેમણે સુંદર કામગીરી કરી લોકોનો પ્રેમ, આદર અને સન્માન મેળવ્યા. હવે તેઓ વલસાડ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર સંભાળશે.

(11:40 am IST)