Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાવનગર જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતાં યોગેશ નીરગુડે

સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી ભાવનગર જિલ્લાની વિકાસની ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં કલેકટરશ્રી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: ભાવનગર ખાતે કલેકટર તરીકે નિયુકત કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુકત કલેકટરશ્રીએ જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે.

તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.

કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્વા રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.

ઉલ્લેખનીય છે કે, કલેકટરશ્રી ૨૦૧૩ ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ આ અગાઉ ગાંધીનગર ખાતે એમ.એસ.એમ.ઇ.ના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયાં છે. ત્યારબાદ તેઓ ભાવનગરમાં જ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકેની ફરજ અદા કરતાં હતાં. તેથી તેઓ ભાવનગરની ભૃપુષ્ઠ અને સમગ્ર વહીવટી તંત્રથી જાણકાર છે. તેથી ભાવનગરની જનતાને તેમના અનુભવનો લાભ મળશે.

(11:53 am IST)