Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

લાઠી મતિરાળાના 72 વર્ષના કુંવરબાનો અનોખો શોખ :135 વર્ષ જૂના સિક્કાઓનું જબરું કલેક્શન

સંગ્રહમાં 01 નયા પૈસાથી માંડીને રુ.10ના સિક્કા : રાણી વિક્ટોરીયાની છબી ધરાવતા ક્વાર્ટર આના, કિંગ એડવર્ડ અને કિંગ જ્યોર્જની છાપના સિક્કાઓ પણ મોજુદ

અમરેલી લાઠીના મતીરાળા ગામે રહેતા 72 વર્ષના કુંવરબાને જૂના સિક્કાઓનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. સાત્વીક શોખ અને મહત્વકાંક્ષાઓ પુરી કરવા માટે કોઈપણ ઉંમર મોટી નથી હોતી. તેમણે છેક 135 વર્ષ જૂના સિક્કાઓનો સંગ્રહ કર્યો છે.

અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના મતીરાળા ગામે રહેતા 72 વર્ષના કુંવરબા બોરસાણીયા હાલમાં વૃદ્ધાવસ્થાએ પહોચી ગયા હોવા છતા પણ જૂના સિક્કાઓના સંગ્રહ કરવાનો અનોખો શોખ ધરાવે છે. વર્ષોથી તેઓએ ભારતીય ચલણી સિક્કાઓનો સંગ્રહ કર્યો છે અને હાલમાં તેમની પાસે છેક 135 વર્ષ જૂના સિક્કાઓનો મોટો સંગ્રહ થઈ ગયો છે.

તેમના આ સંગ્રહમાં 01 નયા પૈસાથી માંડીને રુ.10ના સિક્કા પણ છે. રાણી વિક્ટોરીયાની છબી ધરાવતા ક્વાર્ટર આના, કિંગ એડવર્ડ અને કિંગ જ્યોર્જની છાપના સિક્કાઓ પણ છે. 01 પૈસો, 03 પૈસા, 05 પૈસા, 10 પૈસા, 25 પૈસા તેમમજ 1, 2, 5, 10 રુપિયાના સિક્કાઓ તેમણે એકઠા કર્યા છે. કલકત્તા અને મુંબઈની ટંકશાળમાં બનેલા સિક્કાઓ હાલમાં કુંવરબાની તિજોરીની શોભા વધારી રહ્યાં છે.

તેમની પાસે રહેલા અમુક સિક્કાઓ છેક 1886ની સાલના છે. હાલમાં તેમની પાસે સંગ્રહાયેલા સિક્કાઓ પૈકી ઘણા અલભ્ય બની ગયા છે અને અન્યત્ર ક્યાંય જોવા પણ મળતા નથી.

સામાન્ય રીતે ઉંમર વધતાની સાથે વ્યક્તિના શોખ પણ ઓછા થતા જતા હોય છે જ્યારે કુંવરબાએ પોતાનો આ અનોખો શોખ આજે પણ જીવંત રાખ્યો છે. તેમની પાસે યુવાનો અને બાળકો આવે છે અને જૂના સિક્કાઓને કૂતૂહલ પૂર્વક જૂએ છે.

(7:14 pm IST)