Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મોરબીના ઉંચી માંડલ નજીક મોબાઈલ શોપમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને શખ્સ પકડાયા.

મોબાઈલમાં ગ્લાસ નાંખવાના બહાને આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ 25 હજારની લૂંટ કરી હતી

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલ શોપમાં ગ્લાસ નંખાવા આવેલા બે હિન્દીભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. આ બન્ને આરોપીઓ પકડાય ગયા છે. હાલ તેઓની પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ મોબાઈલ સિટી પલ્સ નામની મોબાઈલ શોપમાં સાડા ચારેક વાગ્યાના સુમારે બે શખ્સો ઘુસ્યા હતા. મોબાઈલ શોપમાં ઘુસેલા આ શખ્સોએ પ્રથમ મોબાઈલ ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાની ધારી શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદુક તાકી હતી.
વધુમાં બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. જો કે બાદમાં લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ દુકાનદાર જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં પીઆઇ વિરલ પટેલના જણાવ્યા અનુસાર બન્ને આરોપીઓ ઝડપાઇ ગયા છે. બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(12:24 am IST)