Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જામનગરમા મકાન કપાત, ટ્રાફિક સિગ્નલ, ગેસ લાઇન, ભરતી, રખડતા પશુઓ સહિતના મુદે કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ પત્રકાર મંડળની રજૂઆત

‘ધ પ્રેસ કાર્યક્રમ'માં પ્રાણ પ્રશ્‍નો ઉકેલવા અધિકારીઓ - પદાધિકારીઓની ખાત્રી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગર પત્રકાર મંડળ દ્વારા મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમિટીના હોલમાં તાજેતરમાં ‘મીટ ધ પ્રેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ દરમ્‍યાન જામનગર શહેરમાં અતિ મહત્‍વના ગણાતા બીજા સ્‍મશાનની કાર્યવાહી ચાલી રહી છે અને જુની જમીનને બદલે નવી જમીન શોધી વહેલી તકે નગરજનોને ત્રીજું સ્‍મશાન મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી હોવાની સત્તાધીશોએ ખાતરી આપી છે. આ ઉપરાંત વરસાદી સિઝન નજીક છે ત્‍યારે પ્રિમોન્‍સુન કામગીરીની ૮૦ ટકાથી વધુ કામગીરી પૂરી થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં જામનગર વાસીઓને નવો ટાઉન હોલ તેમજ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ મળશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ ને લઈને પણ પત્રકાર મંડળ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સત્તાધીશોને વિવિધ સૂચનો સાથે ઉકેલ લાવવા ખાસ વ્‍યથા રજુ કરાઈ હતી ત્‍યારે કમિશનર તેમજ પદાધિકારીઓએ આ મુદ્દે તાત્‍કાલિક એક્‍શન પ્‍લાન ઘડી નક્કર કાર્યવાહી થકી શહેરીજનોને આ સમસ્‍યામાંથી મુક્‍તિ મળે તે માટે ચિંતિત હોવાનું જણાવ્‍યું હતું.

જામનગર પત્રકાર મંડળ દ્વારા ૧૯ જૂન,૨૦૨૨ના રવિવારે શહેરના વિવિધ પ્રશ્નો અને વિકાસ અંગેની વિસ્‍તૃત ચર્ચા કરવા માટે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સત્તા પક્ષના ચૂંટાયેલા મુખ્‍ય પદાધિકારીઓ સાથે સ્‍ટેન્‍ડીંગ કમિટી હોલ ખાતે ‘મીટ ધ પ્રેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્‍યુટી મેયર તપનભાઈ પરમાર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, મ્‍યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, ડેપ્‍યુટી કમિશનર એ.કે.વસ્‍તાણી, સીટી ઈજનેર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્‍ટ વિભાગના વડા મુકેશભાઈ વરણવા, વોટર વર્કસ શાખાના પી.સી.બોખાણી, ભૂગર્ભ ગટર યોજનાના અધિકારી જી.જે. કાનાણી સહિતના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને પુષ્‍પગચ્‍છથી આવકારી સન્‍માન કરવામાં આવી હતું. જેમાં કમિશ્નર વિજય ખરાડી નું પત્રકાર મંડળના પ્રમુખ હિરેન ત્રિવેદી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મેયર બીનાબેન કોઠારીનું મંડળના મંત્રી કિંજલભાઈ કારસરીયા દ્વારા, ડે.મેયર તપન પરમારનું ઉપપ્રમુખ ધર્મેશભાઈ રાવલ દ્વારા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા નુ સહમંત્રી પરેશ ફલીયા દ્વારા તથા ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર એ.કે.વસ્‍તાણીનું ખજાનચી સૂચિતભાઈ બારડ દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન કરતા મંત્રી કિંજલભાઈ કારસરીયા દ્વારા ઉપસ્‍થિત અધિકારીઓ તથા પદાધિકારીઓ નું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. તેમજ તંત્ર અને પદાધિકારીઓ સાથે રાખી શહેરના વિકાસ કામો થાય તે અંગેની આ બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિરાકરણ આવે તે માટે સકારાત્‍મક નિર્ણય કરવા પણ જણાવ્‍યું હતું.

આ મીટ ધ પ્રેસ કાર્યક્રમમાં જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક ગેસ આધારિત નવું સ્‍મશાન બનાવવાની બાબત ક્‍યાં સ્‍તરે છે? સ્‍મશાન નું નિર્માણ ક્‍યારે થશે? તે પ્રશ્ન રજૂ કરાયો હતો જેમાં કમિશનર અને સ્‍ટેન્‍ડિંગ ચેરમેન દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ત્રીજા સ્‍મશાન માટે અગાઉ નક્કી થયેલ જગ્‍યા રદ કરવામાં આવી છે.અને નવી જગ્‍યા શોધવામાં આવી રહી છે. જે જગ્‍યા શોધી તાત્‍કાલિક નવા સ્‍મશાન ની વ્‍યવસ્‍થા કરવા તંત્ર કટિબદ્ધ હોવાનો પ્રત્‍યુત્તર આપવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પત્રકાર મંડળ દ્વારા જામનગર શહેરમાં નોહોકિંગ ઝોન નો કાયદાકીય અમલ પૂર્ણ રીતે શા માટે થતો નથી? જે પ્રશ્ન રજૂ કરાયો હતો.

જામનગરના શહેરના પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં, ઇન્‍દ્ર મહાલ અને આયોજન મંડળની કચેરી આસપાસ કાયમી ધોરણે બાળકોના મનોરંજન માટે જુદી જુદી નાની-મોટી રાઇડો મૂકીને કેટલાક ધંધાર્થીઓ ધંધો કરી રહ્યા છે જેની પરવાનગી કે ભાવ નિયંત્રણ માટે તેમજ સલામતીની દ્રષ્ટિએ યોગ્‍ય કાર્યવાહી કરવી જરૂરી છે. જે બાબત પત્રકાર મંડળ દ્વારા રજૂ કરવામાં આવતા આ અંગે જણાવવામાં આવ્‍યું હતું કે, આ બાબતે કલેકટર કચેરીમાંથી મંજૂરી આપવામાં આવતી હોય છે. છતાં પણ શહેરીજનોના હિતમાં અને સલામતીના ભાગરૂપે આ તમામ પાસાઓને ધ્‍યાને લઇને કોર્પોરેશન પણ જરૂરી કાર્યવાહી કરશે. જામનગરમાં શહેરની બહુમાળી ઈમારતોના પાર્કિંગમાં દબાણો છે. તે ખુલ્લા કરાવી ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા પગલાં લેવા જોઈએ તે અંગે પ્રશ્ન રજૂ કરાતા એસ્‍ટેટ વિભાગ દ્વારા અત્‍યાર સુધીમાં ૫૦ જેટલા પાર્કિંગ ખુલ્લા કરવામાં આવ્‍યા છે. અને હજી પણ સર્વે કરી જરૂરી પાર્કિંગ ખુલ્લા કરાવવા કોર્પોરેશન આગામી સમયમાં કડક હાથે કાર્યવાહી કરશે તેવું પણ જણાવવામાં આવ્‍યું હતું.

જામનગર શહેરના બાગ બગીચા બાળકો યોગ્‍ય જાળવણી અને સફાઈ થતી નથી સાથે જ નવા બાગ બગીચા બનાવવા જરૂરી છે. જે અંગે મીટ ધ પ્રેસ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરાતા આવનારા સમયમાં ગાર્ડન શાખાના ગજબનો અધિકારીઓની ભરતી કરી શહેરના સુખાકારી અને લોકોના વિશાળ હિતને ધ્‍યાનમાં લઇ નવા રવિ પાર્ક, મહાવીર નગર અને બેડી વિસ્‍તારમાં ત્રણ બાગ બગીચાઓ બનાવવા પણ વિચારણા કરવામાં આવશે તેવું જણાવ્‍યું હતું. અને સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારિયાએ વધુમાં કહ્યું હતું કે, જુના બાગ બગીચાઓમાં પણ તાત્‍કાલીક સર્વે હાથ ધરી જરૂરિયાત મુજબ હીચકા ઓ અને બાગ-બગીચાઓ ની તાત્‍કાલિક મરામત કરાવવામાં આવશે. આ ઉપરાંત લાંબા સમયથી બંધ પડેલ જોગર્સ પાર્કને પણ ખોલાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવશે.

જામનગરમાં પવનચક્કી સર્કલ થી લાલપુર બાયપાસ રોડ સુધીમાં જાહેર શૌચાલય, યુરીનલની જરૂરિયાત છે. સાથે જ શહેરમાં આવેલા આવા સ્‍થાનોથી નિયમિત સફાઈ થતી નથી. તો તે માટે યોગ્‍ય કરવું જરૂરી છે.જે અંગે પ્રશ્ન રજૂ કરાતા મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્‍યું હતું કે, જૂની બિન ઉપયોગી હોય તેવી મૂતરડીઓ પાડી નવી બનાવવામાં આવશે. આ ઉપરાંત સફાઈ માટે પણ ખાસ સુચના આપી સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ કરે તેના ખાસ મોનીટરીંગ માટે સફાઈ માટે મોકલાતી ગાડીઓમાં ખાસ કેમેરા લગાવી સમયાંતરે તેનું મોનીટરીંગ કરવામાં આવશે જેથી આ પ્રકારની સમસ્‍યાનું કાયમી નિરાકરણ આવે તેવી ખાતરી આપી હતી.

જામનગર શહેરમાં આડેધડ રીતે મુકી દેવાતા સ્‍પીડબ્રેકરો પર નિયંત્રણ આવશ્‍યક છે. અને જે સ્‍પીડબ્રેકરો બનાવાયા છે તે ટ્રાફિક એન્‍જિનિયરિંગ ના સ્‍પેસિફિકેશન મુજબ બનાવવામાં આવે તે પણ જરૂરી છે. આ મહત્‍વના પ્રશ્ને પત્રકાર મંડળના સભ્‍યોએ તંત્ર સમક્ષ મૂકતા જણાવવામાં આવ્‍યું હતું કે ગંભીરતાથી આ મુદ્દાને ધ્‍યાને લઇ સ્‍પેસિફિકેશન મુજબ ના સ્‍પીડબ્રેકરો બનાવવામાં આવશે. અને હૈયાત નિયમો વિરુદ્ધ ના સ્‍પીડબ્રેકરો ની યાદી તૈયાર કરી તેની લેવલીંગ નિયમો અનુસાર કરવામાં આવશે. તેમજ બિનજરૂરી અને નિયમો વગર ખડકી દેવાયેલા સ્‍પીડબ્રેકરો દૂર પણ કરવામાં આવશે. આ ઉપરાંત મીટ ધ પ્રેસ કાર્યક્રમ દરમ્‍યાન શહેરમાં ખાનગી કંપનીઓ કે અન્‍ય કોઈ દ્વારા જુદા-જુદા કામો માટે ખોદકામ કરાયા પછી એ જગ્‍યા પર માર્ગ અને મૂળભૂત સ્‍થિતિમાં લાવવા યોગ્‍ય કામગીરી થતી નથી જેથી વાહન ચાલકોને પરેશાન થાય છે. જે અંગે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રશ્ને પણ મહાનગરપાલિકા દ્વારા સુવ્‍યવસ્‍થિત પેચ વર્ક કરી મૂળ સ્‍થિતિમાં લાવવા માટે કામગીરી સુવ્‍યવસ્‍થિત રીતે કરવામાં આવશે. તેવું સિટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવી કહ્યું હતું કે, ઘરગથ્‍થુ ગેસ લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવે છે. અને આ દરમિયાન લોકો જે તે વિસ્‍તારમાં પોતાના ઘરે લાઈન મેળવવાની નિયત ફી ભરતા ન હોય અને તેમાં વિલંબ થવાથી અનેક રસ્‍તાઓ ઉપર આવી પરિસ્‍થિતિ સર્જાઈ છે. જે અંગે લોકોએ પણ જાગૃતતા રાખવા અપીલ કરી હતી.

 જામનગર શહેરમાં રખડતા પશુઓ ની જેમ સ્‍વાન નો ત્રાસ પણ વધી રહ્યો છે જે અંગે શું કાર્યવાહી કરવામાં આવશે? તેવું જણાવતા જામનગરમાં આ અંગે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સ્‍વાન ના ખસીકરણ માટે કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિથી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ સમય અને સંજોગો અનુસાર આ કામગીરી શરૂ હોય ત્‍યારે કોન્‍ટ્રાક્‍ટ પૂરો થઈ જતા કેટલીક વિકટ પરિસ્‍થિતિઓનું નિર્માણ થતું હોય છે. પરંતુ આ મહત્‍વના પ્રશ્ને આગામી સમયમાં અન્‍ય શહેરોના રીવ્‍યુ લઈને નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધરાશે. તેમ મેયર બીનાબેન કોઠારીએ કહ્યું હતું. મીટ ધ પ્રેસ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં રખડતાં ઢોરની ભયજનક સમસ્‍યાના નિવારણ માટે મહાનગર પાલિકા તંત્ર દ્વારા શું આયોજન કરવામાં આવ્‍યું છે? જે પ્રશ્નને લઈને પત્રકારોએ પણ તંત્ર વાહકોને નક્કર કાર્યવાહી કરવા ખાસ રજૂઆત કરી હતી. જે અંગે કમિશનર વિજય ખરાડી અને સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારિયાએ કહ્યું હતું કે, શહેરમાં ૪૨૦૦ ગાયો અને ૬૦૦૦ જેટલી ભેંસો હયાત છે. શહેરમાં માત્ર ગૌવંશ જ દેખાય છે. પરંતુ ભેંસો દેખાતી નથી. અવારનવાર બનતા બનાવોથી લઈને મહાનગરપાલિકા દ્વારા અત્‍યાર સુધીમાં ૭૫૦ જેટલા રેઢીયાર ગૌવંશને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.

‘મીટ ધ પ્રેસ'ના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્‍યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ ખજાનચી સુચીતભાઈ બારડ દ્વારા કરવામાં આવી હતી.

(1:37 pm IST)