Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પશુ રક્ષા સાથે પર્યાવરણના જતનનો સંદેશ આપતું ગ્‍લોબલ તીર્થ એટલે કચ્‍છનું એન્‍કરવાલા અહિંસાધામ

પહેલુ પશુ આઇસીયુ, ઓટી, પોતાનું તળાવ, જંગલ, ઘાસ બેંક અને હવે બીજ બેંક દ્વારા દેશભરમાં ફ્રી બીજ મોકલવાનું આયોજન : રાજ્‍યના વેટરનરી ડોકટરો અને પાંજરાપોળ, ગૌશાળા માટે પ્રેકટીકલ તાલીમશાળા, એકવાર આ ગ્‍લોબલ પર્યાવરણ તીર્થ અચુક નિહાળવા જેવું : કથા સમયે પૂ. મોરારીબાપુનો ઉતારો અહીં નંદી સરોવર મધ્‍યે હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : ૨૧મી સદીમાં કલાઈમેટ ચેન્‍જની સમસ્‍યા આજે સમગ્ર વિશ્વમાં પડકારનો પ્રશ્ન બની ગયો છે ત્‍યારે વિશ્વના દેશોને આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પર્યાવરણ જતન માટે ભારત અગ્રેસર રહેશે એવો સંદેશ આપી રહ્યા છે. એ સમયે આ દિશામાં દેશની પヘમિી સરહદે આવેલી કચ્‍છની એક સંસ્‍થા સમગ્ર દેશને રાહ ચીંધે તેવું પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.

આ સંસ્‍થા એટલે મુન્‍દ્રા તાલુકાના પ્રાગપર રોડ ઉપર આવેલ એન્‍કરવાલા અહિંસાધામ, ભગવાન મહાવીર પશુરક્ષા કેન્‍દ્ર !! પશુ આઇસીયુ સાથે અદ્યતન ઓપરેશન થિયેટર, પશુઓ માટે આઇસીયુ એમ્‍બ્‍યુલન્‍સ, અકસ્‍માતગ્રસ્‍તᅠ પશુઓ હોય કે તરછોડાયેલા પશુઓᅠ હોય લગભગ ૩૦૦૦ જેટલા મૂંગા પશુઓ, જેમાં મુખ્‍યત્‍વે ગાયો છે, તે ઉપરાંત અન્‍ય પશુઓ નીલગાય, ઘોડા, ગધેડા, ઊંટ તેમ જ પક્ષીઓની સેવા કરતી આ સંસ્‍થા માત્ર કચ્‍છમાં જ નહીં રાજય અને સમગ્ર દેશમાં પશુરક્ષા માટે આજે જાણીતી છે.

સંસ્‍થાના સીઈઓ ગીરીશ નાગડા ‘અકિલા' ને જે માહિતી આપે છે, એ જ આ સંસ્‍થાની પ્રસિદ્ધિ અને એનું કાર્ય દર્શાવે છે. વર્ષે લગભગ ૪૫૦ જેટલા વેટરનરી ડોકટરો અહીં ઇન્‍ટરશીપ માટે આવે છે. તો, લગભગ ૩૫૦ થી પણ વધુ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો આ સંસ્‍થાની પશુરક્ષાની પ્રવૃતિ નિહાળી એન્‍કરવાલા અહિંસાધામની કાર્યશૈલી અપનાવી પશુરક્ષાનું કાર્ય કરી રહ્યા છે. પણ, આજે વાત અહીં એક નવી અને સફળ પહેલની કરવાની છે, જે ગ્‍લોબલ વોર્મિંગ સામે પડકાર ઝીલી કલાયમેટ ચેન્‍જ માટે પ્રેરણાદાયી રાહ ચીંધનારી છે.

શું છે આ પહેલ? આ સંસ્‍થાના સીઈઓ અને મિત્ર ગીરીશ નાગડા જયારે જયારે પણ મને (‘અકિલા'ના પ્રતિનિધિ વિનોદ ગાલાને) મળે ત્‍યારે અચૂક નંદી સરોવરની મુલાકાત લેવાનું કહે જ કહે. ત્‍યારે હમેંશા નંદી સરોવર વિશે જાણવાનું કુતુહલ રહેતું. પણ, સમય સંજોગોને અનુકૂળ એ દિવસ આવી ગયો અને નંદી સરોવરની મુલાકાત લીધી. અહીં થયેલ કામગીરી અને પરિણામ ઉપરાંત નવું આયોજન જોઈ એમ થયું કે ખરેખર આ ગ્‍લોબલ તીર્થ છે. અહીં તપોવન ધામ તરીકે વિકસાવાયેલ ૨૨૫ એકર જમીન પૈકી ૩૫ એકરમાં વિશાળ તળાવ બનાવાયું છે.

 જેમાં સંસ્‍થાના પશુઓ ઉપરાંત આજુબાજુના ગામોના મળીને લગભગ ૧૦ હજાર જેટલા પશુઓ અહીં પોતાની તરસ બુઝાવે છે. સાથે સાથે ૬ જેટલા નાના મોટા પાણીના બોર પણ છે. જયારે ૫૦ એકર જમીનમાં ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવી વિકસાવેલી અહીંનું જંગલ તો સ્‍થાનિક પક્ષીઓ ઉપરાંત વિન્‍ટર વિઝિટર બર્ડસ (વિદેશથી આવતા પક્ષીઓ) માટે અભ્‍યારણ્‍ય બન્‍યું છે. સંસ્‍થા દ્વારા ૧૦૦ એકર જેટલી જમીનમાં ઘાસ બેંક તરીકે કચ્‍છના જીંજવા, ધામણ ઉપરાંત ગજરાજ ઘાસનું વાવેતર કરાય છે. ૨૫ એકરમાં ઔષધ વન વિકસાવાયું છે. હવે, અત્‍યારે નવો પ્રકલ્‍પ બીજ બેંકનો છે.

આ પ્રોજેક્‍ટ સંભાળતા એગ્રિકલ્‍ચર ગ્રેજયુએટ અને સોશ્‍યલ સ્‍ટડી કરનાર મધુભાઈ ભાદરકા કહે છે કે, દેશી પરંપરાગત ઝાડના બીજ, આયુર્વેદિક ઔષધિય વનસ્‍પતિના બીજ, ફળ ઝાડના બીજ એમ અલગ અલગ ૭૫૦ પ્રકારના બીજ અમારી બીજ બેંકમાં છે. બીજ બેંકના કોન્‍સેપ્‍ટ અનુસાર દેશભરમાં થી જે કોઈ લોકોને જે બીજ જોઈએ તે બીજ સંસ્‍થા કુરિયર દ્વારા નિઃશુલ્‍ક મોકલાશે. એટલું જ નહીં જે કોઈ અહીં બીજ મોકલવા ઈચ્‍છે એ અહીં બીજનું અહીંથી નિઃશુલ્‍ક વિતરણ કરાશે. ફળ ઝાડ અને ઔષધીય વનસ્‍પતિના રોપાઓ માટે અહી ખાસ ગ્રીન હાઉસ પણ બનાવાયું છે. પશુઓ મુક્‍ત પણે ચરી શકે એ માટે ખાસ અલગ મોટા પ્‍લોટ ઊભા કરાયા છે, જેમાં અપંગ અને બીમાર પશુઓ માટેની અલગ વ્‍યવસ્‍થા પણ છે.

અહિંસાધામના મેનેજિંગ ટ્રસ્‍ટી અને ક્રિયાશીલ વિચારો સાથે સતત વિકાસ માટે તત્‍પર મહેન્‍દ્રભાઈ રતનશી સંગોઈ અને પ્રમુખ હસમુખભાઈ વોરા તેમ જ અન્‍ય ટ્રસ્‍ટીઓ સાથે સ્‍થાનિકે પ્રકાશ રાજગોર, રાહુલ સાવલા, ૬ જેટલા પશુ ડોકટરો સહિત લગભગ ૧૨૫ કર્મચારીઓનો સ્‍ટાફ કરૂણાભાવ સાથે આ સેવાકીય કાર્યને સમર્પિત છે. સીઈઓ ગીરીશ નાગડા કહે છે, હજી'યે સેવાકીય કાર્યનું વિસ્‍તૃતિકરણ ચાલુ જ છે, ૬૫૦ એકર પૈકી અંદાજે ૨૨૫ એકરથી વધુ જમીનમાં પર્યાવરણનું કામ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ હજી ૩૭૫ એકર જમીન સંસ્‍થા પાસે છે, જેમાં ધીરે ધીરે આગળના પર્યાવરણ માટેના કાર્યો હાથ ધરી રહ્યા છીએ. જયારે હોસ્‍પિટલમાં બીમાર પશુઓની સારવાર માટે નવું સોનોગ્રાફી મશીન, એકસ રે, મોટા પશુઓ માટે નવું મોટું ઓપરેશન થિયેટર, એનેસ્‍થીયા મશીન તેમ જ સર્જીકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ સંસ્‍થા વસાવશે.

પશુ રક્ષાની પ્રવૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણનું કાર્ય પણ સુપેરે પાર પાડનાર એન્‍કરવાલા અહિંસાધામ એ ખરા અર્થમાં ગ્‍લોબલ તીર્થ છે, જયાં કરૂણા ભાવે મૂંગા પશુઓની સેવા સાથે પ્રકૃતિની રક્ષા દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, જતન થઈ રહ્યું છે. પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુ પણ અહીં કથા કરી ચૂક્‍યા છે. પૂ. બાપુનો ઉતારો જયાં રખાયો હતો એ ‘કૈલાસ કુટિર' આજે પણ નંદી સરોવર મધ્‍યે ગોવર્ધન પર્વત ઉપર સ્‍મરણ રૂપે રખાઈ છે.

(10:22 am IST)